વલસાડવાસીઓ ચેતી જજો! કોરોના સામેની જંગમાં પોતાની જિંદગીનો ફેંસલો પોતે જ કરવાનો છે

મોટા મોટા શહેરોમાં હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. સ્મશાનગૃહમાં અગ્નિદાહ માટે લાઈનો લાગી રહી છે. ત્યારે આ વલસાડવાસીઓએ પણ ચેતવાનો સમય આવી ગયો છે. જો આમને આમ જ ચાલતું રહેશે તો વલસાડમાં પણ હોસ્પિટલો ફુલ થતા વાર નહિ લાગે અને પરિણામ સ્વરૂપ સ્મશાન ગૃહમાં પણ લાઈનો લાગશે તે પણ નક્કી છે.

વલસાડ શહેરમાં કોરોનાનો રાક્ષસ વિકરાળ સ્વરૃપ લઈ રહ્યો છે. સરકારી વિભાગના આંકડા અને વાસ્તવિક પરિસ્થિતિમાં ખૂબ મોટો તફાવત હોય લોકોએ ચેતી જવાની જરૂર છે. કોરોનાથી બચવુ હોય તો પોતાની જાતે જ ઘરમાં બેસવાની સ્થિતિનું નિર્માણ થયું છે. વલસાડ જિલ્લામાં અને તેમાં પણ વલસાડ શહેરમાં કોરોના જે રફ્તાર પકડી છે એ ખૂબ જ ચિંતા ઉપજાવનારી છે. એક ચર્ચા મુજબ વલસાડની જાણીતી ખાનગી અને પોએચસી હોસ્પિટલોમાં દરરોજ ઓપીડીમાં અનેક કોવિડ પોઝિટિવ કેસો આવી રહ્યા છે. કોરોનાની રફતારથી ચોકી ઉઠેલા વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ પણ આજે તાકીદની બેઠક યોજી સલામતીના પગલાં રૂપે અનેક સૂચનો કર્યા હતા. વલસાડ જિલ્લા કલેક્ટરે ફુલ એક્શન મોડમાં આવી હોસ્પિટલ માટે તથા આરોગ્ય વિભાગ સહિત તમામ ચીફ ઓફિસરને પણ એક્શન મોડમાં લાવી દીધા છે. ત્યારે આ બધાની વચ્ચે સામાન્ય માનવીએ શું કરવું એ કોઈને સમજાતું નથી. હાલમાં નામદાર હાઈકોર્ટે લોકડાઉન લગાવવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું હોવાનું અવલોકન કરતાં લોકોમાં એક જાતનો ડર પેદા થઈ ગયો છે. લોકડાઉનના  ડરથી અનેક શહેરોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ની ડિમાન્ડ રાતોરાત વધી ગઇ છે.લોકોએ અનાજ કિરાનણું લેવા લાઈનો લગાવી દીધી છે. વેપાર ધંધાના ભોગે સરકાર હોવી લોકડાઉન લગાવવા રાજી નથી. પરંતુ આ બધુ વચ્ચે દરેક વ્યક્તિએ એ સમજી લેવાની ખૂબ જરૂર છે કે તમે જેટલા ઘરમાં રહેશો એટલા જ સલામત રહેશો. વગર કામે આંટાફેરા મારવા, ઘર માંથી નીકળવું તમારા માટે જોખમ ઉપજાવનારૂ છે. તેમાં પણ મિત્રો સાથે પાર્ટી કરવી તો મહા મોટી ભૂલ બની શકે છે. અને એ ભૂલનું ક્યારેય પ્રાયશ્ચિત ન થાય એવું પરિણામ ભોગવવું પડી શકે છે.
એક ચર્ચા એવી છે કે વલસાડ શહેરમાં કોરોના પોઝિટિવ આવેલા ઘણા લોકો દુનિયા છોડી ગયા છે. આવા લોકોનો મોતનો આંકડો ક્યાંય પણ જોવા મળ્યો જ નથી, પરંતુ જે તે એપાર્ટમેન્ટ કે સોસાયટીમાં રહેતાં લોકોને તેની જાણ છે જ. હોટેલ, રેસ્ટોરન્ટ, જીમ, ડાન્સ ક્લાસ વગેરેમાં ઓછી થયેલી ભીડ એ બતાવે છે કે લોકોમાં કેટલેક અંશે જાગૃતિ અને ડર બંને ફેલાયા છે. તેમ છતાં હજુ લોકો સંપૂર્ણપણે જાગૃત નથી એ પણ સત્ય હકીકત છે. નાના બાળકો સાથે પણ લોકો ફરવા નીકળી રહ્યા છે, ઘણા લોકો નાના બાળકોને ડાન્સ ક્લાસમાં મોકલતા પણ અચકાતા નથી. બર્થ ડે પાર્ટી, એનિવર્સરી પાર્ટી જેવી પાર્ટીઓ પણ થઈ રહી છે. આ વ્યક્તિઓને હજુ ખબર નથી કે મોટા મોટા શહેરોમાં હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. સ્મશાનગૃહમાં અગ્નિદાહ માટે લાઈનો લાગી રહી છે. ત્યારે આ વ્યક્તિઓએ પણ ચેતવાનો સમય પાકી ગયો છે. જો આમને આમ જ ચાલતું રહેશે તો વલસાડમાં પણ હોસ્પિટલો ફુલ થતા વાર નહિ લાગે અને પરિણામ સ્વરૂપ સ્મશાન ગૃહમાં પણ લાઈનો લાગશે તે પણ નક્કી છે. ચેતતો નર સદા સુખી એ કહેવત મુજબ વલસાડનો દરેક નાગરિક કોરોના મામલે ગંભીર બની પોતાની જિંદગીનો ફેંસલો પોતે જ કરે તે વલસાડ શહેરના હિતમાં રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!