આજે વિશ્વ શૌચાલય દિવસઃ વલસાડ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન મિશન મોડમાં, ૧૫૯૨૭૪ શૌચાલય બનાવાયા

ગુજરાત એલર્ટ | વલસાડ
‘‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’’ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જીવન મંત્ર હતો. ગાંધીજી વ્યકિતગત અને સામૂહિક સ્વચ્છતાના જીવનભર આગ્રહી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે, રાજનીતિક સ્વતંત્રતાથી વધુ જરૂરી સ્વચ્છતા છે. જો કોઈ વ્યકિત સ્વચ્છ નથી તો તે સ્વસ્થ નથી રહી શકતો. સારી સફાઈથી જ ભારતના ગામને આદર્શ બનાવી શકાય છે. શૌચાલયને આપણા ડ્રોઈંગ રૂમની જેમ સ્વચ્છ રાખવા જોઈએ. શૌચાલય આપણા શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે.

સિંગાપોરમાં વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના જેક સિમ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩માં સંયુક્ત રાષ્ટ્ર સંગઠને વિશ્વ શૌચાલય દિવસ દર વર્ષે તા. ૧૯ નવેમ્બરના રોજ ઉજવવાનું નિર્ધારિત કર્યુ હતું. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને ખુલ્લામાં શૌચ કરતા અટકાવવાનો છે. શૌચાલય સંબંધિત માનવ અધિકારીને દરેક વ્યકિત સુધી પહોંચાડવાનો છે. વૈશ્વિક સ્વચ્છતાના સંકટને પહોંચી વળવા માટે આ દિવસની ઉજવણી મહત્વપૂર્ણ છે. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની શાસન ધૂરા સંભાળ્યા બાદ સ્વચ્છતા ઉપર વિશેષ ભાર મુકી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરાવી હતી. આ મિશન ગ્રામીણ વિસ્તારોમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવા અને શૌચ માટે બહાર જવાની વર્ષો જુની આદતમાં સુધારો લાવવા માટે કાર્ય કરે છે.

વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી માટે દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. જે અંતર્ગત લોકોને જાગૃત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪ની થીમ ‘‘આપણુ શૌચાલય, આપણુ સન્માન’’ રાખવામાં આવી છે. દરેક નાગરિકને શૌચાલયની સુવિધા પ્રદાન કરવામાં વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન દ્વારા ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪ થી જ્યારથી વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરાવી છે ત્યારથી અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં કુલ ૧૫૯૧૦૫ વ્યકિતગત અને ૧૬૯ સામૂહિક શૌચાલય બનાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ શૌચાલયો કપરાડા તાલુકામાં ૪૦૫૩૫ બનાવવામાં આવ્યા છે, જેનો લાભ લઈ તમામ લોકોએ સ્વચ્છતાના આંદોલનમાં સૌથી મોટુ યોગદાન આપ્યુ છે. ત્યારે ચાલુ વર્ષ ૨૦૨૪- ૨૫ દરમિયાન વલસાડ જિલ્લામાં ૩૧૫ શૌચાલય બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે..
ડીઆરડીએના સ્વચ્છ ભારત મિશન વિભાગ દ્વારા ગામે ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ મિશન મોડ પર સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં લોકો પણ મોટી સંખ્યામાં જોડાતા સ્વચ્છતા એ જન આંદોલન બની ગયુ છે. પીએમ આવાસ યોજના હેઠળ સરકાર દ્વારા શૌચાલય બાંધકામ માટે પણ વિશેષ નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે. શૌચાલય માત્ર આપણને ગંદકીથી દૂર નહીં રાખે પરંતુ આર્થિક રીતે પણ આપણને ઉપયોગી થાય છે. ખુલ્લામાં શૌચ કરવાથી ગંદકીને આમંત્રણ મળતા રોગચાળો ફાટી નીકળતો હોવાથી સારવાર પાછળ ખર્ચ વધી જતો હોય છે. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન બાબતે પરંપરાગત માધ્યમો દ્વારા પણ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિશ્વ શૌચાલય દિવસ પર તમામ નાગરિકોએ દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવા અને સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહયોગ આપવાનો સંકલ્પ લેવો જોઈએ.
ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના સ્વચ્છ ભારત મિશન (ગ્રા) પેયજળ અને સ્વચ્છતા વિભાગના સંયુક્ત સચિવશ્રી અને ગુજરાત રાજ્યના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના સ્પેશ્યલ કમિશનરશ્રી દ્વારા ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક દર માસે બોલવવા સૂચન કરવામાં આવ્યુ છે. ત્યારે તા. ૧૯ નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસે સવારે ૧૦-૩૦ કલાકે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સ્વચ્છતાને લગતા સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ ફેઝ- ૨ ના સુચારૂ અમલીકરણ માટે ચર્ચા કરવામાં આવશે.

વર્ષ ૨૦૧૪ થી જિલ્લામાં બનાવવામાં આવેલા શૌચાલયોની સંખ્યા

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!