ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતની ઉપસ્થિતિમાં તા. ૨૪ માર્ચ વિશ્વ ટીબી દિવસની જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ઓરિઝોન હોટલમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે જણાવ્યું કે, વલસાડ જિલ્લાની તમામ પીએચસી, સીએચસી, સબ સેન્ટર અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જે પણ જરૂરી આધુનિક સાધન સામગ્રી હોય તે પુરી પાડવા માટે સરકાર તત્પર છે. ટીબીની બિમારીની નાબૂદી માટે જે પણ સાધનો પુરા પાડવામાં આવ્યા તેનાથી અસરકારક કામગીરી થઈ રહી છે જે સંતોષકારક છે. ભવિષ્યમાં પણ જે સાધન સામગ્રીની જરૂર પડશે તે માટે તંત્ર કટિબધ્ધ છે. જિલ્લાના ૫૨ (બાવન) પીએચસીમાં સીબીસી (કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ) ઉપલબ્ધ કરાવાશે. આ સિવાય નાનાપોંઢા સીએચસીમાં ટ્રુ નાટ મશીન ઉપલબ્ધ કરાવાશે. આ મશીનથી ઝડપી ડાયગ્નોસીસ કરી શકાશે. દરેક તાલુકામાં બે ટ્રુ નાટ મશીન ઉપલબ્ધ કરાવાશે. વધુમાં તેમણે ટીમ વર્ક ઉપર ભાર મુકી જણાવ્યું કે, ટીમ વર્કની ભાવનાથી જે કામ થાય છે તે અવશ્ય સફળ થાય જ છે. જેનું ઉદાહરણ વલસાડ જિલ્લાએ પુરૂ પાડ્યુ છે. તબીબી સેવા સાથે જોડાયેલા તમામ સ્ટાફે દર્દી સાથે સહાનુભૂતિની લાગણી રાખી ફોલોઅપ પણ લેવુ જોઈએ. ટીબીના દર્દીઓ માટે પોષણ પણ એટલુ જ જરૂરી છે. ગ્રામ પંચાયત, એનજીઓ અને આરોગ્યનો સ્ટાફ સહિતના સંગઠનોની લોકભાગીદારી સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે.
વલસાડ જિલ્લામાં ૧૬૧ ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર કરાઈ હતી. જેમાંથી ૬૬ ગ્રામ પંચાયત સિલ્વર કેટેગરી એટલે કે સતત બે વર્ષ સુધી ટીબી મુક્ત જાહેર થયેલી હોય. ૯૫ ગ્રામ પંચાયતનો બ્રોન્ઝ કેટેગરીમાં સમાવેશ થયો હતો એટલે કે, પ્રથમ વાર ટીબી મુકત ગ્રામ પંચાયત જાહેર થઈ હોય. આ પંચાયતો પૈકી ૧૨ પંચાયતને ગાંધીજીની પ્રતિમા અને પ્રશસ્તિ પત્ર કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે એનાયત કરાયા હતા. નિક્ષય મિત્રોનું પણ ટ્રોફી અને પ્રશિસ્ત પત્રથી સન્માન કરાયું હતું. ટીબી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર એસડીએચ હોસ્પિટલ, પીએચસી, સીએચસી, યુપીએસચી, ટીએચઓ, સીએચઓ, ટીબી સુપરવાઈઝર અને આશા વર્કરને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઈન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો. હરજીતપાલ સિંઘે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ કે, જિલ્લામાં ટીબીના કુલ ૩૦૦૫ કેસ નોંધાયા છે જેઓને નિક્ષય પોષણ યોજના હેઠળ જ્યાં સુધી સારવાર ચાલુ રહે ત્યાં સુધી દર મહિને તેઓના બેંક ખાતામાં રૂ. ૧૦૦૦ જમા કરવામં આવે છે. ટીબી વિભાગના મેડિકલ ઓફિસર ડો.પરિમલ પટેલે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટીબી વિભાગના સુપરવાઈઝર અશ્વિનભાઈ પટેલે કર્યુ હતું.
આ પ્રસંગે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલા વલસાડ રક્તદાન કેન્દ્રના ડો.યઝદી ઈટાલિયા, ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સિંઘ અને જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.