ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ૫૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૭ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કપરાડા તાલુકાના લવકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ દિનની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૫૦ થી ૬૦ સગર્ભા બેનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય કચેરીના માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલે જણાવ્યુ કે, દર વર્ષે ૨૧ ઓક્ટોબરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આયોડિન યુક્ત મીઠુ શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ મહત્વનું છે. શરીરમાં આયોડિનની ઉણપથી સગર્ભાવસ્થામાં અને આવનાર નવજાત બાળકોને ખૂબ જ ગંભીર અસર કરે છે. ગોઈટર (ગલગંડ), માનસિક પંગુતા, કસુવાવડ, ઠીંગણાપણુ જેવા રોગો થાય છે. આયોડિનએ ગર્ભધારણથી લઈને જન્મ પછીના બે વર્ષ સુધીના બાળકો માટે આવશ્યક પોષક તત્વો છે. આયોડિન જરૂરીયાતની પૂર્તિ અનાજ અને ધાન્ય ખોરાકમાંથી થાય છે. પૂરતા પ્રમાણમાં આયોડિન ન મળે તો થાઈરોઈડ ગ્રંથિને અસર કરે છે. આયોડિન માટેની જાગૃતતા લાવવા માટે આ દિવસ ઉજવાય છે. આજના ફાસ્ટફૂડ જમાનામાં આયોડિનયુક્ત મીઠાની ઉણપને લીધે બિમારીઓનું જોખમ વધી રહ્યું છે.