વલસાડ
જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડના ઉપક્રમે સ્પોર્ટ્સ સંકુલ વલસાડ ખાતે પુસ્તક પરબનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નિવાસી અધિક કલકેટર એન.એ.રાજપૂત, નીલમભાઈ (ખોબા), ડો.રાધિકા ટિકકુ, ડો. નરેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહેમાનો પૈકી નીલમભાઈ પટેલે યોગ્ય ઉંમરે યોગ્ય પુસ્તકનું વાંચન જરૂરી છે એના પર ભાર મુક્યો હતો. ડો. રાધિકા ટિકકુએ એમના વક્તવ્યમાં લોકો પુસ્તકો તરફ વળશે એવો આશાવાદ પ્રગટ કર્યો હતો. નરેશ ભટ્ટે પુસ્તકોના વાંચન પર ભાર મુક્યો હતો.
અધિક નિવાસી કલેકટર એન.એ. રાજપૂતએ બાળકોના ઘડતરમાં પુસ્તકની ભૂમિકા સમજાવી હતી. તેમણે જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડની કામગીરીને બિરદાવી હતી. જ્યારે ચારુશીલાબેને ઉદાહરણો સહિત એમની વાત ખૂબ સરસ રીતે મૂકી હતી. હિતેનભાઈ ભટ્ટ, રામભાઇ પટેલ, રાજુભાઇ ઓઝા, ભાવેશભાઈ રાઈચા, પુનીતાબેન ઈત્યાદિ પુસ્તકપ્રેમીઓની હાજરીથી કાર્યક્રમની રોનક ખૂબ બની રહી. કાર્યક્રમનું સંચાલન પ્રશાંત ઉપાધ્યાય, આશા ગોહિલ, દીપા પાનવાલાએ કર્યું હતું.
પુસ્તક પરબ દ્વારા નિઃશુલ્ક પુસ્તકની આપ લે થઈ શકશે. આ પુસ્તક પરબ દર મહિનાના પહેલા રવિવારે જાહેર સ્થળે યોજાશે. સવારે 7 થી 9 કલાકે દરમ્યાન યોજાશે. આવતા મહિનાના પેહલા રવિવારે તિથલ ખાતે તથા સાંઈલીલા મોલ ખાતે યોજાશે. દાતાઓ તરફથી 1000 જેટલા પુસ્તકો દાનમાં મળ્યા છે. પુનીતાબેન તથા નાગરજી નાયક દંપતિ તરફથી એમની અંગત લાઇબ્રેરી ભેટમાં આપવાની જાહેરાત કરી એ કાર્યક્રમની મોટામાં મોટી ફલશ્રુતિ રહી હતી. સૌના પ્રત્યે જાયન્ટસ પ્રમુખ આશા ગોહિલે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
જાયન્ટસના પ્રમુખ ડૉ. આશા ગોહિલ, દક્ષેશ ઓઝા, શિરિન વોરા, હાર્દિકભાઈ પટેલ, પ્રશાંત ઉપાધ્યાય તથા જગદીશ આહિર સહિત સમગ્ર ટીમના સહયોગ દ્વારા કાર્યક્રમ ખૂબ સુંદર રીતે આયોજિત થઈ શક્યો હતો.