ગુજરાત એલર્ટ | વલસાડ
હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર રાજ્યમાં માવઠાની શરૂઆત થઈ ચૂકી છે. વલસાડ શહેરમાં પણ આજે વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ જતા શિયાળામાં ચોમાસાનો અનુભવ થયો છે.
વરસાદને લીધે હવે રાજ્યમાં ઠંડી પોતાની પકડ જમાવા લાગી છે. પારો ગગડી રહ્યો છે અને પવનની દિશા પણ બદલાઈ રહી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક ઠેકાણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ ધપી રહ્યું છે. આ સિસ્ટમ ગુજરાત સહિત અરબ સાગર તથા મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક વિસ્તારોને આવરી લેશે.
શનિવારે જ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.