ગુજરાત એલર્ટ | અમદાવાદ
હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાશે અને તે થોડી મજબૂત બને તેવી શક્યતા દેખાઈ રહી છે. સામાન્ય રીતે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ ભારતની પાસે આવેલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વધારે સક્રિય રહેતાં હોય છે.
સ્કાયમેટ અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન બે કે ત્રણ દિવસની અંદર લૉ-પ્રેશર એરિયા બને તેવી સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રમાં આવનારું સાયક્લોનિક સર્ક્યુલેશન 8 નવેમ્બરના રોજ લૉ-પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે. જે બાદ તે વધારે મજબૂત બને તેવી શક્યતા દેખાતી નથી. જ્યારે સ્કાયમેટનું કહેવું છે કે લૉ-પ્રેશર એરિયા કદાચ મજબૂત બને તો તે વેલમાર્ક્ડ લૉ-પ્રેશર બની શકે પરંતુ તેથી વધારે મજબૂત બનીને તે વાવાઝોડું બને તેવી શક્યતા ખૂબ ઓછી છે. હાલ આ સાયક્લોનિક સર્ક્યુલેશન તમિલનાડુ પર છે અને તે આગળ વધીને અરબી સમુદ્રમાં આવશે અને સમુદ્રમાં આવ્યા બાદ તે થોડું મજબૂત બને તેવી શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસું પૂરું થયા બાદ હાલ ગરમી પડી રહી છે અને બીજી તરફ અરબી સમુદ્રમાં સતત હલચલ થઈ રહી છે. આ પહેલાં અરબી સમુદ્રમાં તેજ નામનું વાવાઝોડું સર્જાયું હતું.
આ તેજ વાવાઝોડું ભારતના દરિયાકિનારાથી દૂર જઈને યમનના દરિયાકિનારા પર ત્રાટક્યું હતું. જેની ગુજરાત કે ભારતનાં અન્ય રાજ્યોમાં ખાસ કોઈ અસર થઈ નહોતી.