ખેરગામથી પીપલખેડ સુધીના ૨૨ કિમીના માર્ગને 10 મીટર પહોળો બનાવવા પણ લોકોની માંગ છે
ખેરગામ
જુનના મધ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે તેવી આગાહી વચ્ચે ખેરગામ પાણીખડક પીપલખેડને જોડતો 21 કિમી.નો અત્યંત ઉપયોગી રસ્તામાં કેટલીક જગ્યાએ ખાડા પડી જતા રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
સતત વાહનોથી ધમધમતો અને અનેક ગામના લોકો માટે અતિ ઉપયોગી વલસાડ ગુંદલાવ ધોબીકૂવાના ખેરગામથી વાંસદા તરફ જતો માર્ગ ઉપર દિવસ અને રાત્રી દરમ્યાન અસંખ્ય નાના મોટા વાહનોની અવર જવર રહે છે. ઘણા વર્ષોથી આ રસ્તો પહોળો બનાવી તેનું નવીનીકરણ કરવા આ વિસ્તારના આગેવાનો દ્વારા સરકારી વિભાગોમાં રજૂઆતો પણ થતી આવી છે.રસ્તાનું નવીનીકરણ તો નથી થયું પરંતુ અનેક વખત સમારકામ થયું છે. જે માર્ગ ગોરવાડા સુધી ચતુર્માર્ગી હોવો જોઇએ એવી લોકોની માંગ છે. ખેરગામથી પીપલખેડ સુધીના ૨૨ કિમીના માર્ગને 10 મીટર પહોળો બનાવવા પણ લોકોની માંગ છે.કારણ કે અહીં સંકળા રસ્તાના કારણે અકસ્માત થવાનું પણ જોખમ રહે છે. રૂઝવણી નર્સરી પાસે દરવખતે ચોમાસામાં રસ્તો ખરાબ થઈ ખાડા પડી જાય છે. આ રસ્તાનું સમારકામ હાથ ધરાતા હાલ વાહનચાલકોએ રાહતની લાગણી અનુભવી છે.