ખેરગામ
ખેરગામ ખાતે આવેલી સ્વામિનારાયણ સંસ્કારધામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓએ શાળામાંથી એલ.સી.લઈ લીધા હોવા છતાં શાળા સંચાલકો દ્વારા જીઆરમાંથી નામ કમી ન કરતા કેટલાક વાલીઓએ સોમવારે ખેરગામ પોલીસ મથકે પીએસઆઇ તેમજ નવસારી શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી.
ખેરગામના વેણ ફળિયા સ્થિત શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ સ્કૂલમાં 2019ની સાલમાં સ્કૂલમાં આચાર્ય અને ટ્રસ્ટીઓ વચ્ચે ચાલતા વિવાદની જાણ વાલીઓને થતા વાલીઓએ સ્કૂલ પર એકત્ર થઇ હોબાળો કર્યો હતો.આ સ્કૂલનું બાંધકામ છોટુભાઇ પટેલની જમીન ઉપર કરાયું હતું.જ્યાં સ્વામીનારાયણ સંસ્કારધામ નામે શાળા ચાલતી આવી હતી.પરંતુ સ્કૂલની જમીન ખેતીની અને આદિવાસીની હોવાથી 73 એએની સત્તા પ્રકારમાં આવે છે. જેની જાણ થતા વાલીઓએ નવસારી કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી.ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ કરી તેનો રિપોર્ટ ગાંધીનગર મોકલી આપ્યો હતો.ત્યાર બાદ ગાંધીનગર શિક્ષણ નિયામકે સ્કૂલની ધોરણ નવ-દશની માન્યતા રદ કરી હતી.આ સ્થિતિમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ જણાતા વાલીઓએ સ્કૂલના આચાર્ય પાસે લેખિતમાં એલ.સી.ની માંગ કરી હતી.જેના આધારે સ્કૂલના આચાર્યએ આશરે 250 જેટલા વિદ્યાર્થીઓની એલ.સી.કાઢી હતી.પરંતુ સ્કૂલ જી.આર.માંથી હજી સુધી વિદ્યાર્થીઓના નામ કમી કર્યા નથી.સ્કૂલમાંથી આચાર્યે કાઢી આપેલી એલ.સી.ને માન્ય નથી.પરિણામે વિધાર્થીઓનું ભવિષ્ય અંધારામાં છે.ત્યારે બાળકોના ભવિષ્યનું વિચારી વહેલી તકે સ્કૂલના જનરલ રજિસ્ટરમાંથી નામ કમી કરાવી આપવા વાલીઓ દ્વારા ખેરગામ પી.આઈ સહિત તેમજ નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.