વલસાડ
દમણમાં મઝા માણવા આવેલી વડોદરાના સ્પામાં કામ કરતી 4 સુંદરીઓ બ્લેક ડોગ જેવા મોંઘા વિદેશી દારૂની બોટલો સાથે પારડી પોલીસનાં હાથે ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો હતો. નાગાલેન્ડની રૂપસુંદરીઓને જોવાં પોલીસમથકે અવર જવર વધી ગઈ હતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના પારડી પોલીસની ટીમ સંઘપ્રદેશ દમણ અને ગુજરાતની બોર્ડર પર આવેલી પાતલીયા ચેકપોસ્ટ પર ચેકિંગમાં હતા. એ દરમિયાન જ પાતલીયા ચેકપોસ્ટ પર દમણ તરફથી આવી રહેલી એક કારને શંકાના આધારે અટકાવી હતી. આ કારમાં ચાર યુવતીઓ ફિટીંગ આકર્ષક કપડાં પહેરીને બેઠેલી હતી. અને એક પુરુષ ચાલક કાર હંકારી રહ્યો હતો. જોકે પોલીસને શંકા જતા તમામને કાર નીચે ઉતારી અને કારની અંદર તપાસ કરતા કારમાં રાખેલા એક થેલામાં વિદેશી દારૂની બાટલી મળી આવી હતી.
જે બાદ આ તમામને પારડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતાં તમામ યુવતીઓ મૂળ નાગાલેન્ડની હોવાનું અને તેઓ કેટલાક સમયથી વડોદરાના એક સ્પામાં કામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામ યુવતીઓ વડોદરા ગોત્રી રોડ પર આવેલા નિરાલી એપાર્ટમેન્ટમાં એક સાથે રહેતી હતી. અને મોજ મસ્તી કરવા અને ખાવાપીવાની પાર્ટી માટે તેઓ દમણ આવ્યા હતા. દમણમાં મોજ-મસ્તી કર્યા બાદ વડોદરા પરત ફરી રહ્યા હતા. ત્યારે મૂળ નાગાલેન્ડની ત્સુગ્રો સોગલા વલી, કિલ્લો બેની બેન્તુંનગો નુગ્લી, મોઇન્લા તિકાશરું અને પેતની વિથેપુ નામની યુવતી અને તેમની સાથે કાર ચલાવી રહેલા વડોદરાના રાહુલ બુકિલને પોલીસે 17 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા હતા. વડોદરાના સ્પાની રૂપસુંદરીઓ બ્લેક ડોગ જેવા મોંઘા વિદેશી દારૂના બાટલા સાથે ઝડપાતા પારડી નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.