કેવો બનશે વલસાડ અબ્રામા રેલ્વે ઓવરબ્રિજ: સૌ પ્રથમ જુઓ ટુ-સ્ટેજ બ્રીજની તસ્વીરો

ગુજરાત એલર્ટ | વલસાડ

વલસાડ અબ્રામાં સ્થિત રેલવે ઓવરબ્રીજ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવતા વર્ષની દિવાળીએ વલસાડના લોકો નવા ઓવરબ્રિજનો ઉપયોગ કરતા થઈ જશે. સૌપ્રથમ વખત આ રેલવે ઓવર બ્રિજની થ્રીડી ડિઝાઇન આપણી સમક્ષ આવી છે. તો જાણીએ કેવો હશે ઓવરબ્રિજ અને કેવી રીતે વાહન વ્યવહાર ચાલશે?

કરોડોના ખર્ચે બની રહેલા વલસાડ અબ્રામાના રેલવે બ્રિજની ડિઝાઇન ડબલ સ્ટેજમાં તૈયાર કરવામાં આવી છે. જેમાં નીચે એક બ્રિજ અને તેના ઉપરથી એક બીજો બ્રિજ પસાર થશે. આ બ્રિજની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે બ્રિજની નીચેથી પણ વાહન વ્યવહાર ચાલુ રહેશે. એટલે કે જે લોકોએ નજીકની સોસાયટીમાં કે અન્યત્ર જવું હોય તેવો બ્રિજની નીચેથી પણ પસાર થઈ શકશે.

રેલવે ટ્રેકની પૂર્વ તરફના વિસ્તારમાં નીચેથી અવરજવર કરી શકાશે. એ જ રીતે રેલવે ટ્રેકની પશ્ચિમ તરફ પણ બ્રિજની નીચે વાહન વ્યવહાર થઈ શકશે. બ્રિજની નીચે રેલ્વે ટ્રેકને કારણે પૂર્વથી પશ્ચિમમાં કે પશ્ચિમથી પૂર્વમાં જઈ શકાશે નહીં. રેલ્વે ટ્રેન હોય તો તેમણે ફરજિયાત બ્રિજની ઉપરથી પસાર થવું પડશે.

રેલવે સ્ટેશને જવા માટે વલસાડમાં એક નવો રસ્તો મળશે

પાછલા ઘણા વર્ષોથી રેલવે સ્ટેશનએ જવા માટે વલસાડ શહેરનો એકમાત્ર રોડ હોવાને કારણે ટ્રેન આવવાના સમયે ખૂબ જ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ રોડ પહોળો કરી શકાય એમ પણ ન હતું. જેને કારણે લોકોને વલસાડ રેલવે સ્ટેશન એ જવા આવવા માટે નવો રસ્તો મળી રહે તે રીતે નવા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

નેશનલ હાઇવે નંબર 48 કે ધરમપુર વિસ્તારમાંથી આવતી વખતે ઓવરબ્રિજ ઉપરથી જ જમણા હાથે રેલવે તરફનો રોડ આપવામાં આવ્યો છે. જે રોડ સીધો વલસાડ રેલવે સ્ટેશનને લઈ જશે. જેથી વલસાડ શહેરની બહારથી આવનારા કોઈ પણ વ્યક્તિએ રેલ્વે સ્ટેશન જવા માટે વલસાડ શહેરમાંથી સ્ટેશન રોડ પર જવાની નોબત આવશે નહીં. મુસાફરો સીધા ઓવરબ્રિજ પરથી સીધા રેલવેના માર્ગે રેલવે સ્ટેશનએ પહોંચી શકશે. આ રોડ ટ્રાફિક સમસ્યા હળવી કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

2024 ની દિવાળીએ વલસાડને નવો ઓવરબ્રિજ મળી જશે: કાર્યપાલક ઇજનેર એન.એન.પટેલ

વલસાડ આર એન્ડ બીના કાર્યપાલક ઇજનેર એન. એન. પટેલના જણાવ્યા મુજબ આ રોડનું 2024 ની દિવાળીએ લોકાર્પણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. જેથી એજન્સી દ્વારા પૂરજોશમાં કામ કરવામાં આવી રહ્યું છે. આ કામ આવતા વર્ષે ચોમાસાના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય એટલે દિવાળીએ વલસાડની જનતાને નવો ઓવરબ્રિજ મળી જશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!