વલસાડ
૭૮ વર્ષોથી વલસાડ તથા નવસારીથી પાલઘર સુધીનાં દુરનાં દર્દીઓની સારવાર માટે તબીબી સેવાનાં ક્ષેત્રમાં આગવું પ્રદાન કરતી કસ્તુરબા વૈદ્યકિય રાહત મંડળ, વલસાડ સંચાલિત કસ્તુરબા હોસ્પિટલ આધુનિકતમ તબીબી સેવાનાં ક્ષેત્રમાં નવીન સોપાન સર કરવા જઈ રહી છે. ફક્ત છ દર્દીઓનાં બીછાનાં સાથે ભાડાનાં મકાનમાં સને ૧૯૪૪માં શરૂ થયેલ આ મેટરનીટી હોસ્પિટલ આજે વલસાડની દાન પ્રેમી જનતાની આર્થિક સહાય, સહકાર અને સદ્ભાવનાથી તથા સંસ્થાનાં જેતે સમયનાં પીઢ અને પ્રતિષ્ઠિત સંચાલકોનાં શ્રમ, ધગસ, દોરવણી અને પ્રેરણાથી આજે ૨૨૫ પથારી, ૫૦-આઈ.સી.યુ. બેડ તથા જુદા જુદા ૨૩ જેટલા સાઘન સજ્જ તબીબી વિભાગો સાથે એક છત્ર નીચે દરેક પ્રકારની તબીબી સારવાર આપતી સંસ્થા તરીકે લોકચાહના અને સમયની સાથે પરિવર્તન સાથે વિકાસ પામી છે. જેમાં જુદાજુદા વિભાગમાં ૨૦ જેટલા ફુલટાઈમ અને ૪૦ જેટલા વીઝીટીંગ નિષ્ણાંત ડૉક્ટરો નિયમિત સેવા આપી રહેલ છે. પરિવર્તનશીલ સમયની સાથે ચાલી સમયની માંગ મુજબ વિકાસનો અભીગમ સંસ્થાએ સમાયેલ છે જેને અનુરૂપ ભવનો અને ઉચ્ચ બ્રાન્ડનાં તબીબી સાધનો દર્દીઓની સેવામાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે. અને એ આધુનિક તબીબી સેવાનાં ક્ષેત્રમાં ટર્ષ્યરી કેર હોસ્પિટલ તરીકેની નામના મેળવેલ છે.
હાલમાં જે રીતે લોકો તણાવભરી જીંદગી, વ્યાયામનો અભાવ, ભેળસેળ, દવાઓની આડ અસર જેવા લાઈફ સ્ટાઈલ રોગોનું પ્રમાણ વધવાને કારણે લોકો હૃદયરોગ, સ્ટ્રોક, કીડનીનાં રોગો, ડાયાબીટીસ જેવા રોગોનાં શિકાર બની રહ્યા છે જેમાં દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર રહે છે. કેટલીકવાર મોટા શહેરોમાં સારવાર કરાવવા માટે જવાનો સમય પણ રહેતો નથી એ પ્રકારના દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે એવા શુભ આશયથી કસ્તુરબા હોસ્પિટલનાં સંચાલકોએ એક અત્યંત આધુનિક પ્રકારની સારવાર આપી શકે એવી સક્ષમ કેથલેબ તથા ક્રીટીકલ દર્દીઓ માટે ઇન્ટેન્સીવ કેર યુનિટના ૧૦-બેડનું યુનિટ વલસાડ તથા આજુબાજુનાં વિસ્તારમાં દર્દીઓની સેવા માટે તા.૯-૧૨-૨૦૧૨નાં રોજ લોકાર્પણ કરવા જઈ રહેલ છે.
આધુનિક તબીબી સાધનોમાં વિશેષ ખ્યાતિ ધરાવતી ફિલીપ્સ ઈન્ડીયા પ્રા. લિ. દ્વારા હૃદયરોગની સારવાર માટે અત્યંત પ્રચલિત ‘એક્ઝ્યુંરીયન” મોડલની બ્રાન્ડ ન્યુ કેથલેબ નવસારી અને પાલઘરની વચ્ચે ફક્ત વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલમાં સ્થાપિત થવા જઈ રહેલ છે. જે તમામ પ્રકારની કાર્ડીયાક અને ઈન્ટરવેન્સનલ એન્જીયોગ્રાફી તથા એન્જીઓપ્લાસ્ટી કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત ‘“ઈન્ટ્રાવસ્કયૂલર અલ્ટ્રાસાઉન્ડ મેડીકલ ઈમેજીંગ (IVUS)” ટેકનીક તથા “ફ્રેકરનલ લો રીઝર્વ (FFR)” તથા “ડીજીટલ સબસ્ટ્રેકટીવ એન્જીઓગ્રાફી (DSA)” જેવી નોન ઈન્વેઝીવ પ્રોસીજર સાથે કેથલેબનું નવીનત્તમ અને અધતન ટેકનોલોજીનું પ્લેટફોર્મ છે. જે વલસાડ વિસ્તારનાં દર્દીઓને એડવાન્સ અને ટર્ભરી લેવલની કેથલેબ સુવિધા પહોંચાડવા માટે સંપૂર્ણ ટેકનોલોજી ધરાવતા મશીનોમાની એક છે.
આ ઉપરાંત હોસ્પિટલમાં અન્ય ક્રિટીકલ દર્દીઓની સારવાર માટે અત્યંત જરૂરી એવા ઈન્ટેન્સીવ ક્રિટીકલ કેર યુનિટ જે સમાજ અને દર્દીઓને સારવાર અને આગોતરી આરોગ્ય સંભાળ સેવા પહોંચાડવા સક્ષમ યુનિટ ૧૦ પથારીની ક્ષમતા ધરાવે છે આ આઈ.સી.યુ.માં વિશિષ્ટના ધરાવતા ૧ બેડ પોઝીટીવ એર ફલો, ૧ બેડ નેગેટીવ એર ફ્લો સહિત ૧૦ ક્યુબીકલ બેડનાં સેન્ટ્રલ એ.સી. બેડની સુવિધા સાથે સુર્ય પ્રકાશનો સંચય થાય એ રીતે ડીઝાઈન કરવામાં આવેલ છે. આ ઉપરાંત દરેક બેડ સેન્ટ્રલી મોનીટરીંગ ઓક્સીજન અને સકસન તથા દરેક બેડ માટે અલગ વેન્ટીલેટર તથા દરેક બેડ ઉપર ડાયાલિસીસ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ઉપરોક્ત ફિલિપ્સ કંપનીનું એક્ઝ્યુંરીયન બ્રાન્ડનું મોડલ રૂા.૪.૭૫ કરોડનાં ખર્ચે હોસ્પિટલમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. જે પૈકી રૂા.૧.૫૦ કરોડનાં માતબર દાનથી ભારતનાં પ્રથમ હરોળનાં ઉદ્યોગપતિ અનંત મુકેશભાઈ અંબાણી દ્વારા સંચાલિત રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સપોર્ટ કરવામાં આવેલ છે. જે બદલ સંસ્થા અંબાણી પરિવારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો
તા.૯-૧૨-૨૦૨૨નાં રોજ આ સમગ્ર પ્રોજેક્ટનાં લોકાર્પણ અંગે કાર્યક્રમ યોજવામાં આવેલ છે જે કાર્યક્રમમાં અંબાણી પરિવારનાં પ્રતિનિધિ તરીકે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં સીનીયર વાઈસ પ્રેસીડન્ટ (એડમીનીસ્ટ્રેટીવ) તથા વલસાડ અબ્રામા ગામનાં વતની ગીરીશભાઈ ટી. વશી તથા રીલાયન્સ ફાઉન્ડેશનાં ચીફ ફાઈનાન્સીયલ ઓફીસર સચીન માર્ડીકરનાં વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.
વિશેષમાં રૂા.૨.૭૫ કરોડનાં ખર્ચે શરૂ થઈ રહેલ ક્રિટીકલ કેર આઈ.સી.યુ. માટે વાપીનાં હરક્યુલિસ પીગમેન્ટ પ્રા. લિ. તરફથી રૂા. ૩૫ લાખનો સપોર્ટ મળેલ છે. શરૂ થવા જઈ રહેલ આ આઈ.સી.સી.યુ. જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બનાવવામાં આવેલ છે જે હાલનાં ફાયર સેફ્ટી ફૂલ્સને ફોલો કરીને ગુજરાતનું એકમાત્ર ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ આઈ.સી.સી.યુ. છે.
ઉપરોક્ત કેથલેબ અને આઈ.સી.સી.યુ. માટે દર્દીઓની સારવાર અને સુશ્રુષા માટે અનુભવી અને નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ સેવા આપવા તૈયાર રહેશે. જેમાં મુખ્યત્વે ૧૦ થી વધુ વર્ષનો અનુભવ ધરાવતા ડૉ. વિરલ ટંડેલ (ડી.એમ. કાર્ડીયોલોજી) ફુલ ટાઈમ કાર્ડીયોલોજીસ્ટ તરીકે સેવા આપશે. આ ઉપરાંત સુરતનાં સુપર સ્પેશ્યાલીસ્ટ વિઝીટીંગ ડૉક્ટરો પીડીયાટ્રીક કાર્ડીયોલોજીસ્ટ ડૉ.સ્નેહલ પટેલ ઈન્ટરવેન્સનલ રેડીયોલોજીસ્ટ ડૉ. જૈની ગાંધી, કાર્ડીયો વાસક્યુલર સર્જન ડૉ. સ્નેહેલ દિક્ષિત તથા ડૉ. મલકેશ તરસાનીયા સેવા આપશે. આ ઉપરાંત આઈ.સી.સી.યુ.માં ફુલટાઈમ અનુભવી સીનયર ફીઝીશીયન ડૉ. સમીર દેસાઇ, ડૉ. ગજેન્દ્ર બલાત, પેડીયાટ્રીશ્યન ડૉ. પ્રમિત મિસ્ત્રી તથા ઈન્સેન્ટીવીસ્ટ તરીકે ડૉ. રાહુલ ગામીત ફુલ ટાઈમ સેવા આપશે. આ ઉપરાંત અનુભવી સ્ટાફની સેવા ઉપલબ્ધ થશે. નજીકનાં ભવિષ્યમાં સરકાર તરફથી અનુમતિ મળતા સરકારી રાહત સેવાનો કાર્ડીયાક દર્દીઓને લાભ મળશે.