ખેરગામ
એપ્રિલ-મૅ માં ગ્રામ્ય કક્ષાએ કોવિડ આઈસોલેશન સેન્ટર તાત્કાલિક ઉભા કરવાના આદેશથી ખેરગામના ૨૧ ગામના ૧- એક મંદિર-આશ્રમશાળા, પાંચ માધ્યમિક શાળા, ૧૮ પ્રા.શાળાના વર્ગોમાં ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણ પુરુષ અને બે મહિલા દર્દીઓ માટે પાંચેક જગ્યાએ ખાટલા અને અન્ય જગ્યાએ નીચે ગાદલા પાથરીને સુવિધા કરાઈ હતી.
૨૧ કેન્દ્રોમાં માત્ર આછવણીના બંધાડ ફળિયા શાળામાં બે કોવિડ પોઝિટિવ દર્દી હતા. જે દિવસે આવતા અને રાત ઘરે વિતાવતા. એ સિવાયના ૨૦ કેન્દ્રમાં એક પણ દર્દીએ લાભ લીધો નથી. છતાં આ કેન્દ્રો ચલાવવા માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ૨૬ નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ હતી. જેમાં ૨૬ મુખ્ય શિક્ષકોમાં નવ મહિલા, આઠ તલાટી કમ મંત્રી અને ૫૨ આશાવર્કરોની નિમણૂક થઈ હતી. તા.૧૧/૫ થી કેન્દ્ર શરૂ થતા અત્યાર સુધી જે શિક્ષક-શિક્ષિકાની દૈનિક ફરજ માટે નિમણૂક થઈ છે તેઓ રોજ ૧૦ થી સાંજે ૬ માં ફરજ બજાવે છે બાકીના ત્યાં ફરકતા પણ નથી. કેમ કે કેન્દ્રોમાં કોઈ દર્દી નથી.ખેરગામના તલાટીને પાંચ કેન્દ્રનો હવાલો છે. ખેરગામ તાલુકામાં બધા સેન્ટરો ખાલી છે ત્યારે શિક્ષકોને મુક્તિ આપવી જોઈએ તેના બદલે શિક્ષકો કેન્દ્ર ખાલી હોવા છતાં આવીને ફરજ બજાવી રહ્યા છે.
ખાલી કેન્દ્રમાં શિક્ષકો માનસિક ત્રાસ અનુભવે છે: પ્રમુખ, શિક્ષક સંઘ
હાલમાં તા.૩ થી શાળાઓમાં રજા છે. જે ૬ જૂને પૂરી થશે પરંતુ બિન ઉપયોગી કેન્દ્રમાં ફરજ સોંપાતા શિક્ષકોનું વેકેશન પડ્યું છે છતાં ફરજ સોંપવા અંગે બે-ત્રણ વખત મૌખિક રજુઆતો કરી, મુક્તિની માંગ કરી હતી. પણ તે વિફળ રહી છે.જો કેન્દ્રમાં દર્દી હોય તો જ શિક્ષકોને બોલાવવા જોઈએ. આવા ખાલી કેન્દ્રમાં શિક્ષકો માનસિક ત્રાસ અનુભવે છે. સમગ્ર નવસારી જિલ્લામાં ફક્ત ખેરગામ તાલુકામાં જ આ સ્થિતિ છે… ફતેસિંહ સોલંકી,પ્રમુખ,શિક્ષક સંઘ, ખેરગામ