ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચણોદ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. નાની બાળાઓએ સંકલ્પ યાત્રા રથને અક્ષતઃ કુમકુમથી વધાવ્યો હતો.
આ પ્રસંગે ગ્રામજનોએ સરકારની યોજનાલક્ષી ટૂંકી ફિલ્મ નિહાળી હતી તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પણ મેળવ્યા હતાં. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આવકાર આપી અને સંકલ્પ રથયાત્રાનું સ્વાગત કર્યુ હતું.
આ કાર્યક્રમમાં ગામના સરપંચ નેહાબેન મુકેશભાઈ પટેલ અને સભ્ય રાજુ ધીરૂભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, પૂરક પોષણ યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતાં. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત કેમ્પમાં ૪૯૮ થી વધુ વ્યક્તિઓની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત સિકલસેલના ૪૦ અને ટીબીના ૫ દર્દીઓની તપાસ કરી સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નવા ૩૨ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતાં. પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતુ ધરતી કહે પુકાર કે… નુક્કડ નાટક શાળાના ૭ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતુ. જેને ઉપસ્થિત સૌ લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધુ હતું.
આ ઉપરાંત ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત ૪ લાભાર્થીઓએ સરકારની યોજનાઓના મળેલા લાભના સુખદ અનુભવો વર્ણવ્યા હતાં.
આ કાર્યક્રમમાં મહાનુભાવો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈ દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી છેવાડાના માનવીઓને પણ સરકારના વિવિધ વિભાગોની યોજનાના ઘરબેઠા જ લાભ મળી રહ્યા છે. જે આ યાત્રાની ફળશ્રુતિ કહી શકાય છે.