ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત શરૂ રાખી નાગરિક પ્રથમના અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ભવ્ય ઉજવણી હાથ ધરવામાં આવી છે.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વાપી શહેરના વિવિધ માર્ગો ઉપર વિવિધ વિષય આધારિત વોલ પેઈન્ટિંગ કરવામાં આવ્યું હતુ. ઊર્જા, સ્વચ્છ ગુજરાત અને વિકાસ સપ્તાહ સહિતના વિવિધ વિષયો આધારિત વોલ પેઈન્ટિંગમાં વિદ્યાર્થિઓએ રંગપૂરણી કરી હતી.
વોલ પેઈન્ટીંગ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહત્વની લોકકલ્યાણકારી વિવિધ યોજનાઓની વિગતો નાગરિકો સુધી પહોંચાડવામાં આવી હતી. વાપી નગરપાલિકાના ગુંજન વિસ્તારમાં વિકાસ સપ્તાહ અંતર્ગત bullet train in vapi નું ભીંતચિત્ર દોરવામાં આવ્યું હતુ. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે ધૂરા સંભાળી હતી. મુખ્યમંત્રીથી વડાપ્રધાન પદ સુધીની તેમની સફરમાં ગુજરાતનો વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે. રાજ્યની ૨૩ વર્ષની ‘વણથંભી વિકાસયાત્રા’ વિશે જનજન સુધી જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઓકટોબર-૨૦૨૪ તા.૦૭ થી તા.૧૫ સુધી સમગ્ર રાજ્યવ્યાપી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.