ગુજરાત અલર્ટ | આહવા
ગત તારીખ ૨૪મી ફેબ્રુઆરીના રોજ ડાંગ જિલ્લાના ‘સ્વીપ’ કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્યમિક શાળા, ભવાનદગડના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ વિશે ભવાનાદગડ ખાતેના હાટ બજારમાં પોસ્ટર બેનરો સાથે રેલીનું આયોજન કરી મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામા આવ્યા હતા.
અહિં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા હાટ બજારમાં આવતા વેપારીઓને તેમજ આજુબાજુના ગામમાંથી આવતા લોકોને મતદાન જાગૃતિ વિશેની સમજણ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓએ “મત મારી મૂડી છે”, “મતદાન મારી ફરજ છે” “વોટ ફોર બેટર ઇન્ડિયા” જેવા નારા બોલાવ્યા હતા.
આ કાર્યક્રમમાં સરકારી માધ્યમિક શાળા ભવાનદગડ ઈ.ચા.આચાર્ય ભાવિનીબેન આર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. મતદાન જાગૃતિ કાર્યક્રમમા શાળાના શિક્ષકો તેમજ ૫૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.