ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ બેઠક પર આગામી તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે વલસાડ જિલ્લાના દરેક તાલુકાઓમાં વિવિધ સ્થળોએ મતદાતાઓને વધુ મતદાન માટે જાગૃત કરવા માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમો સાથે વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મતદારો લોકશાહીના મહાઉત્સવમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી –વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ મેનેજમેન્ટ કમિટીના નોડલ અધિકારીશ્રી –વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને ટીમ દ્વારા વિવિધ ગ્રામ પંચાયતો, સસ્થાઓ, શાળાઓ અને ઇન્ડસ્ટ્રીઓમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કપરાડા તાલુકાનાં જાહેર સ્થળોએ જેવા કે, કપરાડા તાલકાની કેજીબીવી કપરાડા, કેજીબીવી માંડવા અને કેજીબીવી ખડકવાળની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી બનાવી મતદાન કરવા સંદેશો પાઠવવામાં આવ્યો હતો. તેમજ વાપી રેલવે સ્ટેશન ખાતે પણ મતદાન જાગૃતિ અંગે”અવસર લોકશાહીનો, મારા ભારતનો…લોકસભા ચૂંટણી-૨૦૨૪” વિષય દર્શાવતી રંગોળી બનાવી મતદાન જાગર્તિ ફેલાવવામાં આવી હતી. સાથે સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વલસાડ ડેપો પર સ્ટીકર લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.