ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત તા. ૭ મે ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સ્વીપ મેનેજમેન્ટ કમિટીના વલસાડ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને સ્વીપની ટીમ દ્વારા જિલ્લાભરમાં ઠેર ઠેર મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે સંદર્ભે તા. ૧૨ એપ્રિલના રોજ વાપી તાલુકાના સુલપડ ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં વોર્ડ નં. ૧૦ના વાપી-૭ અને વાપી-૮ મતદાન મથકોના મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાનના નોડલ – વ – જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચાપલોતે વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યું હતું અને જણાવ્યું હતું કે, લોકશાહીમાં એક મતનું પણ ખુબ જ મહત્વ છે. સાથે સાથે મહિલા મતદારોને પણ ચોક્કસ મતદાન કરવા અને કરાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. મતદારોને ડર, લાલચ અને ભય વિના ૧૦૦% મતદાન કરવા આહવાન કરાયું હતું. તેમજ મતદાનના દિવસે જાહેર રજા હોવાથી ઔદ્યોગિક વિસ્તારના કામદારોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા. મતદાનમાં દરેક મતદાતા રસ લઈ મતદાન કરે એવી અપીલ પણ કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં તા.૧૫ રોજ લવાછા અને ૧૬ એપ્રિલના રોજ આઝાદનગર, ડુંગરામાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક અધિકારી ડી.બી.વસાવા, વાપી તાલુકા પ્રાથમિક અધિકારી શ્રીમતી મિનાબેન પટેલ, બીઆરસી કોર્ડિનેટર અશ્વીન ગુપ્તા, સુલપડ સીઆરસી કોર્ડિનેટર અલ્પેશ રાવલ, મતદાન વિસ્તારના બીએલઓ અને મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા.
વાપીના સુલપડમાં મતદાન વધારવા માટે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો: ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાનના નોડલ–વ–જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે મતદારોને વધુ મતદાન કરવા પ્રોત્સાહન આપ્યું
