ખેરગામ
સવા વર્ષથી દેશ અને દુનિયામાં કોરોના મહામારીની ગંભીર બિમારીથી માનવજાત પીડિત છે. જેની બીજી લહેર આવી છે અને ત્રીજી આવવાની વાતો ચાલે છે. આવા કપરા કાળમાં ગુજરાતના ૨૭ જિલ્લા અને ૧૪૦ તાલુકામાં વયં “રાષ્ટ્રે જાગૃતામ્ પુરોહિતા” સૂત્રને સાર્થક કરીને ૪૦ હજારથી વધુ દેશ-વિદેશના ભારતીય મૂળના બ્રાહ્મણો દ્વારા કોરોના મુક્તિ અને વૈશ્વિક શાંતિ કલ્યાણ માટે જપ યજ્ઞ આહુતીનું ૬ જૂન-૨૧ના રોજ વૈશ્વિક આયોજન થયું હતું.
ખેરગામ નિવાસી અને નવસારી જિલ્લાના આ ટ્રસ્ટના પ્રમુખ યુવાવિપ્ર શ્રી ઋષિકેશ મનોજ ભટ્ટ સાથે અવિનાશ, પાર્થ રાવલ, કૃતાર્થ અને પિતા મનોજભાઈ દ્વારા સ્વગૃહે સાંજે પાંચ વાગે વૈશ્વિક યજ્ઞ-સત્કર્મ કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન દત્તાત્રેયના ૧૦૮ દત્તમાલા મંત્ર, યજ્ઞ અભિષેક અને જપ કરી દશાંશ યજ્ઞ પણ કરાયો હતો. અડધો લાખથી વધુ બ્રાહ્મણોના ટ્રસ્ટમાં પોતાના અનુકૂળ સમય સ્થાને અભિષેકાત્મક,જપાત્મક અને યજ્ઞિય કર્મનો આ ઐતિહાસિક પ્રસંગ બન્યો હતો.
પ્રસિદ્ધ તીર્થ ડાકોર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીગ્નેશભાઈ જોશી, ગણદેવી ખાતે દેવાંગ ભટ્ટ અને નવસારી ખાતે મિત્તલે સત્કર્મ કર્યું હતું જે સંસ્થાના સંસ્થાપક મહેસાણાના કૌશલભાઇ દવે છે. તન્મે મન:શિવસંકલ્પમ્ અસ્તુ દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશભાઈએ સહભાગી થનાર અને વિશ્વ કલ્યાણ માટે યજ્ઞઆહુતિ આપનારા સૌ ભૂદેવોનો આભાર માન્યો હતો.