ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ સંગઠનના પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર રથનું સ્વાગત કર્યું હતું. ગ્રામજનો દ્વારા વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
સરકારની મહત્વપૂર્ણ ૧૭ જેટલી વિવિધ યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. વિવિધ કચેરીઓ દ્વારા પ્રદર્શન સ્ટોલ અને કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા.આરોગ્ય ખાતા દ્વારા આયોજિત કેમ્પમાં ૮૬ લોકોએ ટીબીની અને ૧૯૬ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. જ્યારે કુલ ૩૧૮ લોકોએ કેમ્પમાં વિવિધ બિમારીનું ચેકઅપ કરાવ્યું હતું. મહાનુભાવો દ્વારા ગામનું નામ રોશન કરનાર સફળ મહિલા, રમતવીર, વિદ્યાર્થી અને લોકલ આર્ટિસ્ટનું સન્માન કરાયું હતું. ગ્રામ પંચાયતને મહેમાનોના હસ્તે વિવિધ પ્રમાણપત્ર અને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે વડાપ્રધાનશ્રીનો સંદેશ, સંકલ્પ વિડિયો, વિકાસ યાત્રાની ફિલ્મ સહિત વિવિધ યોજનાઓની ફિલ્મનું પણ આ પ્રસંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. યોજનાઓના લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની હેઠળ પોતાના પ્રતિભાવો પણ આ પ્રસંગે વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય જગદીશભાઈ પટેલ અને પરીયા ગામના સરપંચ ડિમ્પલબેન પટેલ સહિત ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.