ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરમખલ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. નાની બાળાઓએ સંકલ્પ યાત્રા રથને કુમકુમથી વધાવ્યો હતો. ગ્રામજનોએ સરકારની યોજનાલક્ષી ટૂંકી ફિલ્મ નિહાળી હતી તેમજ મહાનુભાવોના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પણ મેળવ્યા હતાં.
આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ પટેલે ગ્રામજનોને સરકારની યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે સધ્ધર બની દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે આહવાન કર્યુ હતું. તેમની સાથે તાલુકા પંચાયત સભ્ય કમલેશભાઈ પટેલ, નાયબ કલેકટર ગૌરાંગ વાસાણી, વાપી તાલુકા વિકાસ અધિકારી સરજુ જેઠવા, વાપી ગ્રામ્ય મામલતદાર પી.કે. મોઢવાડીયા, નાની તંબાડી પીએચસીના મેડિકલ ઓફિસર ડો. યશ વઘાસીયા, ગામના સરપંચ દક્ષાબેન રમેશભાઈ પટેલ અને ઉપસરપંચ સીતાબેન શૈલેષભાઈ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પમાં ૩૬૦ ગામવાસીઓની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. જેમાં ટીબી અને સિકલસેલના દર્દીઓની તપાસ કરી અને આરોગ્યલક્ષી સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ૨૨૦ નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતાં અને સ્થળ પર ૬૨ કાર્ડનું વિતરણ કરાયું હતું અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ૩૧ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાયું હતું.
આ કાર્યક્રમમાં મહાનુભાવો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈ દેશના વિકાસમાં વધુને વધુ યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં. મહાનુભાવાનો હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની યોજનાથી પ્રગતિ સાધનાર લાભાર્થીઓએ પોતાના અનુભવો વર્ણન કરતી સાફલ્યગાથા રજૂ કરી અન્ય લોકોને પણ યોજનાનો લાભ લેવા માટે અપીલ કરી હતી.