વલસાડ તાલુકાના જેસપોર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉત્સાહભેર આવકારતા ગ્રામજનો

ગુજરાત એલર્ટ । વલસાડ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજ રોજ વલસાડ તાલુકાના જેસપોર ગામે આવી પહોંચતા ગ્રામજનોએ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં અદકેરા ઉત્સાહ સાથે સંકલ્પ રથ યાત્રાનું સ્વાગત કર્યું હતું. મહેમાનોના હસ્તે વિવિધ સહાય, પ્રમાણપત્ર અને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી ગામ લોકો દ્વારા વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સરકારની વિવિધ યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ અપાયા હતા.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોઈલ હેલ્થ કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, મિશન મંગલમ, આવાસ યોજના, પ્રાકૃતિક ખેતી અને આંગણવાડીના લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની હેઠળ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે વડાપ્રધાનશ્રીનો સંદેશ, સંકલ્પ વિડિયો, વિકાસ યાત્રાની ફિલ્મ સહિત વિવિધ યોજનાઓની ફિલ્મનું પણ આ પ્રસંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશાઓ આપતું ‘ધરતી કહે પુકાર કે….’નાટક રજુ કર્યું હતું, જે કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બિજલબેન સી.પટેલ, ગામના સરપંચ સ્નેહાબેન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટીના કૃષિ વૈજ્ઞાનિક મિતેશ ગજ્જર, વિસ્તરણ અધિકારી આર.બી.પટેલ અને વાસ્મોના આસિ. મેનેજર રાજેશ એન.પટેલ તેમજ ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!