ગુજરાત એલર્ટ | વલસાડ
આદિવાસી સમાજની પૃષ્ઠભૂમિ ઉપર બનાવાયેલી અને લોકો દ્વારા પણ વખણાયેલી ‘‘કાંતારા’’ ફિલ્મમાં આદિ- અનાદિ કાળથી ચાલી આવેલી આદિવાસી સમાજની સંસ્કૃતિ રૂપે દેવ પરંપરા બતાવવામાં આવી છે. જેમાં તહેવારો ટાંણે દેવ દેવીઓના મુખોટા પહેરી નાચ ગાન કરવામાં આવે છે. આ સમયે આદિવાસી સમાજના લોકો તેમને પગે પડી પ્રાર્થના કરે છે. સદીઓથી ચાલી આવેલી આવી જ પરંપરા આજે પણ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસીઓમાં જીવંત છે. આદિવાસી સમાજમાં હોળીને મોટામાં મોટો અને ખૂબ જ માનીતો તહેવાર ગણવામાં આવે છે જેથી હાલમાં ધરમપુર નગરના વિવિધ વિસ્તારોમાં હોળીના ફગવા માટે દેવ-દેવીઓના મુખોટા પહેરી ફગવો ઉઘરાવવાની પરંપરા આપણને આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અપાવે છે.
આદિ એટલે આરંભનું અને વાસી એટલે રહેનારુ. આદિવાસી સમાજ પરંપરા, સંસ્કૃતિ અને પ્રકૃતિને અનુસરે છે. ફાગણ સુદ એકમથી જ હોળીના તહેવારની ઉજવણી માટે તૈયારી શરૂ થાય છે. કામ ધંધાર્થે બહારગામ રહેતા આદિવાસીઓ પણ આ પર્વે માદરે વતન અચૂક આવી જાય છે. આદિવાસી સમાજમાં હોળીનું ખૂબ જ મહત્વ હોય લોકગીતો પણ ખૂબ ગવાય છે ત્યારે સાંભળનારા ગીતોના લય- તાનમાં ડૂબી જાય છે.
ધરમપુરના મામાભાચા ગામના વડીલ વાળુભાઈ તુમડા જણાવે છે કે, હોળીના હાટબજારમાં આદિવાસી સમાજના વડીલો આદિવાસી વાંજિત્રો જેવા કે, ઢોલકી, તુનતુનુ, થાળી, પીપોળી, સાંગળ, કાંહળી, તારપા અને માદળ જેવા વાદ્યો સાથે સપ્તશ્રુંગી માતા, દુર્ગા માતા, ભવાની માતા અને અંબા માતાના મુખોટા પહેરી પગમાં ઘૂંઘરૂ બાંધી કાંહળીના તાલે ભર બપોરે તડકામાં નૃત્ય કરતા હોય છે. કેટલાક કલાકારો સાડી પહેરી દેવીના રૂપમાં પણ નૃત્ય કરે છે.
આ સમયે લોકો પણ દેવીના રૂપને પગે લાગી, ચાંદલા કરી આશીર્વાદ મેળવે છે. સાથે યથાશક્તિ મુજબ ફગવો પણ આપે છે. આ સિવાય પગમાં લાકડી બાંધી ઘૂંઘડી ઘોડાવાળા પણ નીકળે છે જે હાટ બજારમાં હોળીના પર્વે આકર્ષણનું કેન્દ્ર ગણાય છે.
બપોર બાદ આ તમામ કલાકારો પોત પોતાના ઘરે નીકળી જતા હોય છે. ફગવો ઉઘરાવવાની આ પરંપરાનો હેતુ આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાનો છે અને જે પૈસા ભેગા થાય તેનો ઉપયોગ વર્ષ દરમિયાન મંદિરમાં દાન કરી ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરાય છે.
દેવી માતા નગરમાં ફરી લોકોના દુઃખ દર્દ લઈ જાય, આખુ વર્ષ સારૂ જાયઃ કાકડભાઈ કુંવર
આવધા ગામના વડીલ કાકડભાઈ છનીયાભાઈ કુંવર જણાવે છે કે, હોળીમાં દેવીનો મુખોટો પહેરી ફગવો ઉઘરાવવો એ અમારી સંસ્કૃતિ છે. અમારી પરંપરા છે. જે અનંતકાળથી ચાલી આવી છે. માતા નગરમાં ફરે તો આખુ વર્ષ સારૂ જાય છે. લોકોના દુઃખ દર્દ લઈ જાય છે. જો અમે અમારી આ પરંપરાને ન અનુસરીએ તો વર્ષ દરમિયાન અમને ગમે ત્યારે નડે છે. અમારી આ સંસ્કૃતિનો વારસો નવી પેઢી પણ અપનાવે તે માટે તેઓને નાચ ગાન કરવાનું અને હોળીના ગીતો શીખવવામાં આવે છે.
હાટ બજારમાં દીવાળીની રોનક જેવી ધુમ ખરીદી નીકળી
ધરમપુરના બજારમાં ભરાયેલા હાટ બજારમાં અંદાજે ૩૫ હજારથી ૪૦ હજાર સુધી લોકોની અવરજવર રહેતી હોય છે. પાંચ દિવસ સુધી હાટ બજારમાં ધૂમ ખરીદી જોવા મળતી હોય છે. લોકો ખજૂર, હરડા, કોપરૂ, કપડા, ઘર સુશોભનની વસ્તુઓ, ઘરેણા, ખેતી અને પશુ પાલન માટેનો સાધનો, ઓજાર, અનાજ-કઠોળ, કાંદા-બટાકાની ખરીદી કરે છે. ગામે ગામ હટવાટા ભરાતા હોય ત્યાં પણ આદિવાસી સમાજના વડીલો ફગવો ઉગરાવવા માટે જતા હોય છે. ધરમપુરના નગરમાં આ દરમિયાન ટ્રાફિક નિયમન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય છે.
હોળીના તહેવારના આગમનની ઝલક સાથે કૃતિનું વર્ણન કરતું ગીત
હાવરો ફુલવાઓ હોલીબાઈ છેલ કરતી જાય
હોલીબાઈ છેલ કરતી જાય
આંબો મોરવાયો હોલીબાઈ છેલ કરતી જાય
હોલીબાઈ છેલ કરતી જાય
ચણા ફુંનાચા હોલીબાઈ છેલ કરતી જાય
હોલીબાઈ છેલ કરતી જાય
હોળીનું ખૂબ જ પ્રચલિત ગીત
કનચે મહિને ઊનીસો
ફાગુન મહિને ઊનીસો
બાઈ ફાગુન મહિને ઊનીસો
કાય કાય ભેટ લસીલો?
બાઇ કાય કાય ભેટ લસીલો?
ખાંભ ભેટ લસીલો બાઈ ખાંભ ભેટ લસીલો
કાય કાય ભેટ લસીલો?
બાઇ કાય કાય ભેટ લસીલો?
પાપડ ભેટ લસીલો, બાઈ પાપડ ભેટ લસીલો