વલસાડની આર્ટ્સ કોલેજમાં વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા યોજાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાતીનો અધ્યાપક સંઘ વિદ્યાર્થીઓનું અધિત વધે તે માટે વિવિધ વિષય અંતર્ગત વ્યાખ્યાનમાળા આયોજિત કરતી હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે આ વ્યાખ્યાનમાળા વલસાડની આર્ટસ કૉલેજના આચાર્ય ડૉ. જી. એમ. બુટાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવી હતી.
પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય ડૉ. સોનલબેન સરાવિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ગુજરાતીનો અધ્યાપક સંઘના મંત્રી ડૉ.આશા ગોહિલે સંઘનો પરિચય અને પ્રવૃત્તિ ટૂંકમાં જણાવી આ વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળા વિદ્યાર્થીઓને વિશેષ ઉપયોગી પૂરવાર થતી હોય છે એ વાત એમના વક્તવ્યમાં કહી હતી.

આ વ્યાખ્યાન માળાના ત્રણેય તજજ્ઞો ડૉ.જયશ્રી જોશી(ભીખાભાઈ પટેલ આર્ટ્સ કૉલેજ, આણંદ)એ ‘અગનપંખ’ આત્મકથા વિશે સહજતાથી કૃતિના અનેક પાસાં ખોલી આપ્યા હતા. ડૉ.ભાવેશ વાળા(સરકારી વિનયન કૉલેજ, દમણ)એ સાહિત્ય અને ફિલ્મ વિશે વાત કરતાં કૃતિ ‘તત્ત્વમસિ’ અને ‘નષ્ટનીડ’ ને અનુક્રમે ફિલ્મ ‘રેવા’ અને ‘ચારુલતા’ સંદર્ભે સુપેરે મૂલવી આપી હતી. ડૉ.નરેશ વાઘેલા (સરભાણ કૉલેજ)એ ‘અનુઆધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાઓ’ વિશે વિશદ છણાવટ કરી રસપ્રદ રીતે અભ્યાસલક્ષી માહિતી પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ. દક્ષા ચૌહાણે કર્યું હતું. વકતાઓનો પરિચય ડૉ.મુકેશ ચૌહાણ અને ડૉ. હિમરશ્મિ માળીએ આપ્યો હતો. કૉલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. ભરતસિંહ ઠાકોરે પ્રારંભે સૌને આવકાર્યા હતા. આભારવિધિ ડૉ.સંદીપ પટેલે કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!