ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત કલા મહાકુંભ- ૨૦૨૩ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થનાર છે.
રાજયના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને કલા સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજુથના કલા પ્રેમીઓ અને પસંદગી પામેલી કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્ય કક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવા આગામી દિવસોમાં આયોજન થનાર હોય વલસાડ જિલ્લાના કલા ક્ષેત્રે રસ ધરાવતા કલાકારો તા.૨૪-૧૦-૨૦૨૩ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,૧૦૬,જૂની બી.એસ.એન.એલ,કચેરી,પહેલા માળે,પોસ્ટ ઓફીસની પાછળ, વલસાડ થી મેળવી તા.૨૪-૧૦-૨૦૨૩ સુધીમાં કચેરી સમય મુજબ સાંજે ૦૫:૩૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી વલસાડને મોકલી આપવાનું રહેશે.
આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. સ્પર્ધકની ઉમર તા.૩૧-૧૨-૨૦૨૩ ની સ્થિતિએ ગણવાની રહેશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, સુગમસંગીત, લગ્નગીત, સમૂહગીત, લોકગીત, ભજન, તબલા, હાર્મોનિયમ (હળવું), ચિત્રકલા અને નિબંધ અને સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા કુલ ૯ કૃતિ જેમાં સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી,શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની), સર્જનાત્મક કારીગરી અને ઓરગન, તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં કુલ ૭ કૃતિઓ જેમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન,વાંસળી અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં કુલ ૭ કૃતિઓ જેમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો, વગેરે કૃતિઓ યોજાશે. કલા મહાકુંભ ૨૦૨૩ અંતર્ગત કુલ ૩૭ કૃતિઓનું તબક્કાવાર આયોજન થનાર છે. સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ કલાકારોને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે જણાવવામાં આવે છે.