કોંગ્રેસનાં અનંત પટેલ સામે ભાજપમાંથી વાંસદાનાં ધવલ પટેલ ટકરાશે: ભાજપે જેને ટિકિટ આપી છે તે ધવલ પટેલ કોણ છે?

ગુજરાત એલર્ટ । વલસાડ
આદિવાસી નેતા અનંત પટેલ સામે ભાજપે વાંસદાના ઝરી ગામના રહીશ ધવલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. એસટી મોરચાના સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય ટીમમાં મહત્વની ભૂમિકા ભજવતા ધવલ પટેલની ભાજપે વલસાડ ડાંગ લોકસભા બેઠકની ટિકિટ આપતાં હવે ધોડિયા પટેલ જ્ઞાતિના નવસારી જિલ્લાના બંને ઉમેદવારો વલસાડ બેઠક પર ચૂંટણી લડશે.
વલસાડ ડાંગ લોકસભા બેઠક પર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં કોને ટિકિટ મળશે તેની ઉત્સુકતા જોવા મળી હતી. વર્તમાન સાંસદ ડો. કે. સી. પટેલના સ્થાને નવો ચહેરો આવશે એવી નિશ્ચિતતાઓ અગાઉથી વર્તાતી હતી. જોકે તેમની ટિકિટ ઘરમાં જ રહેશે અને તેમના વહુ ઉષાબેન પટેલને લોકસભાની ટિકિટ મળે એવી વાતો કેટલાક રાજકારણીઓ છાતી ઠોકીને કહેતા હતા. આ ઉપરાંત મહેન્દ્ર ચૌધરીનું નામ પણ ચર્ચામાં હતું. ધરમપુરના ડો. ડી.સી. પટેલના જમાઈ પણ આ રસમાં હતા. પરંતુ આખરે આજે ભાજપ એ જે લિસ્ટ જારી કર્યું તેમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝરી ગામના રહીશ એવા ધવલ પટેલને લોકસભાની ટિકિટ આપતા સંપૂર્ણ ચર્ચાઓનો અંત આવી ગયો છે. સાથે જ આ ધવલ પટેલ કોણ છે તે જાણવા લોકોમાં ઉત્સુકતા વધી ગઈ હતી. વાંસદા તાલુકાના ઝરી ગામના રહીશ ધવલ પટેલ આમ તો સુરતમાં પણ ઘર ધરાવે છે. અને છેલ્લા ઘણા સમયથી ભાજપ આદિવાસી મોરચાની રાષ્ટ્રીય ટીમમાં સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છે. 38 વર્ષીય ધવલ પટેલે બી.ટેક. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અને હાલમાં એમબીએ માર્કેટિંગ કરે છે.

પટેલે “ભારત કે જનજાતિય ક્રાંતિવીર” સહિત અનેક પુસ્તકો પણ લખ્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરીબી હોવાનું કહેવાય છે.

કોંગ્રેસે ગતરોજ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર આદિવાસી નેતા તરીકે લોકપ્રિય ધારાસભ્ય અનંત પટેલનું નામ જાહેર કર્યું હતું. તેની સામે ભાજપે પણ વાંસદાના રહીશ એવા ધવલ પટેલને ઉમેદવાર બનાવતા નવસારી જિલ્લાના બંને ઉમેદવારો વલસાડ લોકસભા બેઠક પર ચૂંટણી લડશે.

ધવલ પટેલનું નામ આજે અચાનક જ સ્કાઇલેબની જેમ આવી જતા લોકોમાં ધવલ પટેલ કોણ તે જાણવા ભારે ઉત્સુકતા વર્તાઈ હતી. અંતે ધવલ પટેલ વાંસદાનાં રહીશ હોવાનું અને ખૂબ જ જ્ઞાની હોવાનું જાણવા મળ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!