ગુજરાત એલર્ટ । વલસાડ
વિશેષ બાળકોની ખાસ સ્કૂલમાં તેમના વિદ્યાર્થીઓને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપી વિવિધ ચીજ વસ્તુઓનું નિર્માણ કરાવાતું હોય છે, પરંતુ વલસાડના રામવાડીમાં રહેતા એક વિશેષ બાળકને તેના માતા-પિતાએ પ્રોત્સાહિત કરતાં તેણે દિવાળીમાં વિવિધ ડેકોરેટીવ પ્રોડક્ટ બનાવી હતી. જેની ડેકોરેટીવ પ્રોડક્ટે દિવાળીમાં અનેક ઘરની શોભાવૃદ્ધિ કરી હતી. તેના આ એક્ઝિબિશનને વલસાડમાં સારો પ્રતિસાદ મળ્યો હતો.
વલસાડના રામવાડીમાં રહેતા અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતા 17 વર્ષના નિત દેસાઇને પ્રોત્સાહિત કરવા તેના માતા ભાવિની અને પિતા હેમલ સતત કાર્યરત રહે છે. ત્યારે આ વર્ષે તેમણે પુત્રને પ્રોત્સાહિત કરવા તેની પાસેથી દિવાળી નિમિત્તે દિવા, એનવલપ(કવર), સ્વસ્તિક ફ્રેમ વિગેરે બનાવડાવ્યું હતુ. જેના માટે તેમણે એક્ઝિબિશન પણ રાખ્યું હતુ. જેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. સ્પેશ્યલ ચાઇલ્ડ નિતને વલસાડના સાયકોલોજીસ્ટ પ્રિયાંશી પારેખ અને ઓસીન પારેખે ટ્રેન કર્યો છે અને તેણે રીતિ શ્રોફ પાસે આર્ટ એન્ડ ક્રાફ્ટની વિશેષ ટ્રેનિંગ લીધી હતી. તેના થકી થયેલા તેનું આ એક્ઝિબિશન શક્ય બન્યું હતુ. એક્ઝિબિશન જોવા આવતા લોકોને જોઇને નિતના મુખ પર પણ સ્મિત ફરી વળ્યું હતુ. તેમજ તેના માતા પિતાની મહેનતને પણ લોકોએ વધાવી લીધી હતી. તેનું આ કાર્ય અન્ય બાળકો જ નહી, માતા પિતા માટે પણ ખૂબ પ્રેરણાદાયી બની રહ્યું હતુ.