ગુજરાત એલર્ટ | વલસાડ
મોટા ભાગના લોકો પોતાનો જન્મ દિવસ મોજશોખ કરી ઉજવતા હોય છે પરંતુ વલસાડ જિલ્લાના વરિષ્ઠ પત્રકાર અને સંદેશના બ્યુરોચીફ શ્રી ઉત્પલભાઈ દેસાઈએ પોતાના ૬૧માં જન્મ દિવસની અનોખી ઉજવણી સેવાયજ્ઞ સાથે કરી લોકોને પ્રેરણા આપી છે. ધર્મપત્ની વૈશાલીબેન દેસાઈ અને પરિવારના સભ્યો તેમજ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં ઉત્પલભાઈએ વલસાડ તાલુકાના ભગોદ ગામમાં સ્થિત ફાર્મ હાઉસ ખાતે વલસાડ, ધરમપુર અને પારડી તાલુકાના ગામોમાં રહેતા ૧૦ જરૂરીયાતમંદ લાભાર્થીઓને ૫ સિલાઈ મશીન, બે વ્હીલ ચેર, બે વોકર, બે વજન કાંટા, ૧ પ્રિન્ટર, ૧ ચેઈન ફિક્ષર મશીન અને એક પેકિંગ મશીનનું વિતરણ કરી ‘‘જનસેવા એ જ પ્રભુ સેવા’’ની ઉક્તિ સાર્થક કરી છે.
વલસાડના વરિષ્ઠ પત્રકાર ઉત્પલભાઈ દેસાઈએ જણાવ્યું કે, સેવાકીય પ્રવૃત્તિની પ્રેરણા મને મારા માતાપિતા તરફથી વારસામાં મળી છે. સેવા કાર્યો કરવાથી આનંદ તો મળે જ છે સાથે મન પણ મક્કમ બને છે જેનાથી અનેક સેવાકીય કાર્યો કરવાનું બળ મળે છે. હકીકતમાં જોઈએ તો પત્રકાર કયારેય નિવૃત્ત થતો નથી. ૬૦ વર્ષ બાદ પણ તે પોતાની કલમથી સમાજની નિરંતર સેવા કરતો રહે છે. અનેક જરૂરીયાતમંદો એવા છે કે તેમની પાસે સ્કિલ હોય છે પરંતુ જરૂરી સાધન હોતા નથી જેથી ધરમપુરના પ્રથમ ચેરીટેબલ ટ્રસ્ટ અને બીનવાડાના શ્રી સાંઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટના સહકારથી જરૂરીયાતમંદોને શોધી તેઓ પગભર થઈ સન્માનપૂર્વક જીવન જીવે તેવા લક્ષ્ય સાથે આ સેવાયજ્ઞ વર્ષ ૧૯૯૭થી ચલાવી રહ્યો છું. અનેક લોકોને પગભર થયેલા જોઈને આનંદ અનુભવુ છું.
આ પ્રસંગે મહારાજ જીતેન્દ્રભાઈ ઉર્ફે લાલુભાઈ શુકલાએ સંકષ્ટ ચોથ નિમિત્તે વેદ મંત્રોચ્ચાર સાથે ગણેશ યજ્ઞ કરી ઉત્પલભાઈને જન્મદિવસે આશીષ વચન આપી તેમના સેવાયજ્ઞને બિરદાવ્યો હતો. લાભાર્થીઓએ તંદુરસ્ત, દીર્ઘાયુ અને આનંદમય જીવન જીવે એવી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે પત્રકાર મિત્રો બ્રિજેશ પાંડે, કમલેશ હરિયાવાલા, કાદર હાસમાની, તેજસ દેસાઈ, મયુર જોશી, પ્રિયાંક પટેલ, સરોધી ગામના સામાજિક કાર્યકર રાજેશભાઈ પટેલ, અંગીરષભાઈ દેસાઈ, સુનિલભાઈ દશોંદી અને જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ સહિત સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૭થી શ્રી ઉત્પલભાઈ દેસાઈ પોતાના જન્મ દિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિની સુવાસ પ્રસરાવી કરી રહ્યા છે. આ વર્ષો દરમિયાન તેમણે અનેક લોકોને રોજગારીના સાધનો, ૪ વિધવા મહિલાઓને સ્વખર્ચે આવાસ બનાવી આપ્યા, ગરીબ બાળકોની સ્કૂલ ફી- રમત ગમતના સાધનો, છેલ્લા ૭ વર્ષથી દર મહિને જરૂરીયાતમંદોને અનાજની કીટ અને મેડિકલ સહાય તેમજ દિવ્યાંગોને ટ્રાયસિકલ અને વ્હીલચેર સહિતની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી તેઓના જીવનમાં ખુશી રેલાવી સાંપ્રત સમયમાં અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યા છે.