ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડનાં નવનિયુક્ત જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાએ લોકો માટે રાત્રે 9:00 વાગ્યા સુધી ઓફિસે બેસી ફરજ બજાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કોઈપણ વ્યક્તિ મારો સીધો સંપર્ક કરી શકે છે એમ કહી પ્રજાલક્ષી અભિગમ દર્શાવ્યો હતો.
વલસાડ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાની દાહોદ બદલી થતાં તેમના સ્થાને આવેલા ડો. કરનરાજ વાઘેલાએ વલસાડ જિલ્લાનો ચાર્જ સંભાળી લીધો છે. આજરોજ રૂબરૂ મુલાકાત દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હું પ્રજાના પ્રશ્નો માટે રાત્રે 9:00 વાગ્યા સુધી ઓફિસે રહીશ. વિષમ પરિસ્થિતિઓને બાદ કરતાં લોકો સંજોગો અનુસાર રાત્રે પણ મળી શકશે. મહત્તમ લોકોને ન્યાય મળે તેવા પ્રયત્નો કરીશ. સમયનાં અભાવે ઘણી વખત અરજદારો ઉચ્ચ અધિકારીને મળી શકતા ન હોય ત્યારે અરજદારો તેમને મળી શકે તે માટે મહત્તમ પ્રયત્ન કરશે. તેમણે કોઈપણ વ્યક્તિ મારો સીધો સંપર્ક કરી શકે છે એમ કહી પ્રજાલક્ષી અભિગમ દર્શાવ્યો હતો.
તેમણે નશીલા પદાર્થોના વેચાણ કરનારા અને તેનો સેવન કરનારાઓ સામે સખતીથી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુનાઓ બનવાનું મોટું કારણ નશો છે. જ્યારે વ્યક્તિ નશામાં હોય ત્યારે તેઓ ન કરવાનું કરી બેસતા હોય છે. ગુનાખોરીની દુનિયામાં નશો ખૂબ મહત્વનો ભાગ ભજવતો હોય સંઘપ્રદેશોમાંથી ગુજરાતમાં દારૂનું વહન ન થાય તે માટે કડક પગલાં લેવાની વાત કરી હતી. આ ઉપરાંત નશો કરીને વાહન ચલાવનારાઓને પણ તેમણે ચેતવણી આપી હતી. દારૂ કે અન્ય કોઈ પણ નશામાં વાહન ચલાવનારાઓ સામે પોલીસ એક્શન લેશે. આ ઉપરાંત સુરત મુંબઇ હાઇવે નંબર 48 પર થતા ગંભીર અકસ્માતો અટકાવવા પર ભાર મૂકાશે.