કલા સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા વલસાડના નવરંગ ગૃપ દ્વારા પારડીમાં ટેલેન્ટ ફેસ્ટિવલ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
‘‘હમારી સંસ્કૃતિ, હમારી વિરાસત’’ના ગૌરવપૂર્ણ વારસાને જાળવી રાખવા માટે વલસાડના નવરંગ ગૃપ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી અનેકવિધ કલાઓને પ્લેટફોર્મ પુરૂ પાડી વલસાડનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળતુ કરવામાં આવે છે. કલાક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિ મેળવનાર નવરંગ ગૃપના સથવારે પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં બે દિવસીય નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલ સિઝન- ૯ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લા અને દેશના વિવિધ રાજ્યોમાંથી ૨૭૫ કલાકારોએ ધમાકેદાર પર્ફોમન્સ આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના કલાકારોનું હુન્નર લોકો સમક્ષ બહાર આવે તેવા શુભ આશય સાથે વલસાડના નવરંગ ગૃપ દ્વારા દર વર્ષે ટેલેન્ટ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે આછવણી પ્રગટેશ્વર ધામના ધર્માચાર્ય પરભુ દાદા અને રમાબા ના સાંનિધ્યમાં આકાશને રંગબેરંગી બલૂનથી શણગારી સિંગિગ અને ડ્રોઈંગ કોમ્પિટીશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ, મહેસાણા, બરોડા, મુંબઈ, પૂના, જામનગર, ભાવનગર, કચ્છ ભૂજ અને આહવા ડાંગ સહિતના કલાકારોએ ભાગ લીધો હતો.

વિસરાતી જતી જાદુગરની કલાને પણ જીવંત રાખવા માટે જાદુગરોને મંચ પુરો પાડવામાં આવ્યો હતો. જેમાં ૧૨૫ કલાકારોએ પોતાની કૌશલ્ય શક્તિના દર્શન કરાવ્યા હતા. બીજા દિવસે ગુજરાતની ધરોહર સમાન અર્વાચીન ગરબા, પપેટ શો, સ્ટેન્ડઅપ કોમેડિયન, ફેશન શો અને ઈન્ડિયાઝ બેસ્ટ ટેલેન્ટ અને ડાન્સ ઈન્ડિયા ડાન્સના ૧૫૦ કલાકારોએ એક થી એક જબરજસ્ત પર્ફોમન્સ આપી પોતાના હુન્નરના દર્શન કરાવતા સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.

નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલના કો-ઓર્ડિનેટર શૈલેષભાઈ જૈને જણાવ્યું કે, ભારતના સમૃધ્ધ કલા વારસાને મંચ મળે અને કલાકારો પોતાનું હુન્નર દુનિયા સમક્ષ બતાવી શકે તેવા આશય સાથે દર વર્ષે ટેલેન્ટ ફેસ્ટિવલ યોજાય છે. જેમાં ભાગ લઈને અનેક કલાકારોએ રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ મેળવી છે. જે કલાકારો વિજેતા બનતા એકાદ-બે માર્કના કારણે પાછળ રહી જાય તેઓને પણ આગળ લાવવા માટે નવરંગ સારથી એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલને કલાકારોએ સહર્ષ બિરદાવી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મુલેશ- અલકા મહેતા, શરદકુમાર- વર્ષાબેન શાહ, દિપક- માયા શાહ, મિલન માહલા, અંજલિ યાદવ, અજય – જયોતિ પટેલ, તેજસ- હિના શાહ, પંકજ- પ્રીતિ શાહ, મીના છેજારા, ભારતી ગરાસિયા, કુંદનબેન ગાંધી, ડો. મેઘરાજ પઢિયાર, ભાલચંદ્ર – અનિતા પારેખ, પ્રકાશ- મીતા તોકરકર, દીલીપ-વંદના મૂલહરકર, હિતેશ- અંજના દૂષાણે, જાદુગર ધીમંત મસરાણી અને આર.કે.શુક્લ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!