ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાનું ખજુરડી ગામ સ્માર્ટ વિલેજ બન્યું છે. કસરત કરવા માટે ઓપન જીમ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, સીસીટીવી કેમેરા, આર.ઓ. પ્લાન્ટ સાથે પાણીનું પરબ તથા સ્માર્ટ વિલેજનું એલઈડી બોર્ડ સહિતની સુવિધાઓ સાથે ગામના દીર્ઘદ્રષ્ટિ ધરાવતા સરપંચ અને તેની ટીમે ગામને સ્માર્ટ વિલેજ બનાવ્યું છે.
ગામડાઓમાં રસ્તા, પાણી, ગટર સહિતની સુવિધાઓના કામો થતાં જ હોય છે. પરંતુ ગામને અલગ ઓળખ આપે અને ગામ સ્માર્ટ બને તેવા કામો મોટાભાગે થતા હોતા નથી. વલસાડ તાલુકાના ખજુરડી ગામના સરપંચ સ્નેહલભાઈ પટેલ અને તેમની ટીમે ગામને સ્માર્ટ વિલેજ બનાવવા માટેનું સ્વપ્ન જોયું હતું અને સ્વપ્ન હવે સાકાર થયું છે. ગ્રામ પંચાયત દ્વારા લોકફાળા ભાગીદારીથી ગામમાં યુવા-વડીલ સૌને કસરત કરવા માટે ઓપન જીમ મળી રહે તે માટેના પ્રયત્નોમાં પણ તેઓ સફળ થયા છે અને આખરે ઓપન જીમ શરૂ કરાયું છે. જેમાં આધુનિક કસરતના સાધનો રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગામના બાળકો પ્લે ગ્રાઉન્ડનો આનંદ માણી શકે તે માટે સુંદર પ્લે ગ્રાઉન્ડ બનાવાયુ છે. લોકોની સલામતી જળવાઈ રહે તે માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પીવાનું ચોખ્ખુ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ સાથે પાણીનું પરબ પણ બનાવવામાં આવ્યું છે. ગામમાં પ્રવેશ્યા બાદ રાત્રી દરમિયાન એલઇડી પર લોકો સ્માર્ટ વિલેજ જોઈ શકે તે માટે સ્ટ્રીટ લાઈટ સાથે સ્માર્ટ વિલેજનું એલઇડી બોર્ડ પણ લગાડવામાં આવ્યું છે.
આ સ્માર્ટ વિલેજના આગવી ઓળખ ધરાવતા કામોના ગતરોજ સાંજે 5:00 વાગ્યે ખજુરડી ભવાની તળાવ પાસે સ્નેહલભાઈ અને તેમના પત્ની એવા વલસાડ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ દેવાંશીબેન પટેલની મહેનતથી લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો છે. જેમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ખેડૂત સમાજ અગ્રણી રૂપેશભાઈ પટેલ, પ્રવિણભાઇ પટેલ, ડૉ. કિરીટભાઈ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.