વલસાડ
વલસાડ તાલુકાના કલવાડા ગામે આવેલા મેદાનમાં વલસાડ જિલ્લાના વકીલોની 16 ટીમ વચ્ચે રમાયેલી સ્વ. વસંતભાઈ પટેલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડની જૂનિયર ઇલેવને ફાઇનલમાં ઉમરગામ વકીલ મંડળની ટીમને હરાવી ટ્રોફી કબજે કરી હતી.
કલવાડા ગામે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળ દ્વારા સ્વ. વસંતભાઈ એન. પટેલના સ્મરણાર્થે વલસાડ જિલ્લાના વકીલો, કોર્ટ સ્ટાફ તથા જજ શ્રીઓ માટે એક ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાની વિવિધ કોર્ટના વકીલ મંડળોની 16 ટીમે ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં વલસાડની જુનિયર ઇલેવન અને ઉમરગામની વકીલ મંડળની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની જુનિયર ઇલેવન ટીમે ઉમરગામ વકીલોની ટીમને હરાવી ટ્રોફી કબજે કરી હતી.
આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધ સિરીઝ ટ્રોફી વલસાડ જુનિયર ઇલેવનના કેવરાજ સોલંકીને એનાયત કરાઈ હતી. જ્યારે આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન ઉમરગામ ઇલેવનના કનૈયા ડોંગરકર, બેસ્ટ બોલર સંતુભાઈ ભીમરા અને બેસ્ટ ફિલ્ડર વલસાડના કેતન ટંડેલ બન્યા હતા. વિજેતા ટીમના કેપ્ટન રાજુભાઈ પટેલને તમામ વકીલોએ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે વલસાડના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શ્રી પી. એ. પટેલ તથા અન્ય જજ શ્રી મોઢ, શ્રી રાઠોડ, શ્રી વ્યાસ, શ્રી સોની, શ્રી વેદ, શ્રી બામરોટીયા તથા લેબર જજ શ્રી ચોથાણી તથા વલસાડ જિલ્લાના વિવિધ વકીલ મંડળના સિનિયર તથા જુનિયર વકીલમિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ખુબ જ ખેલદિલીભર્યા વાતાવરણમાં આ ટુર્નામેન્ટ સંપન્ન થઇ હતી. અને વકીલ એકતાના દર્શન થયા હતા. ટુર્નામેન્ટનું ખુબજ સ્વાદિષ્ટ ભોજન સાથે સુંદર આયોજન કરવા બદલ મનીષભાઈ રાણા, રાકેશભાઈ પટેલ, અજીતભાઈ ગરાસિયા, રોનક્ભાઇ પટેલ, રાજેશભાઈ પટેલ (માલવણ), રાજેશભાઈ પટેલ (લીલાપોર), સલીમભાઇ શેખ, નિલેશભાઈ પટેલ તથા શકીલભાઇ શેખ સહિતની ટીમનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શિસ્ત સમિતિના ચેરમેન અને વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ પી. ડી. પટેલે આભાર માન્યો હતો.