ગુજરાત એલર્ટ । વલસાડ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત આંતર કોલેજ રસ્સાખેંચ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા વલસાડની કોમર્સ કોલેજ અને બીલીમોરાની એવી પટેલ કોમર્સ કોલેજ ખાતે યોજાઈ હતી. ભાઈઓમાં ૨૦ ટીમો અને બહેનોમાં ૧૮ ટીમોએ ભાગ લીધો હતો. રસ્સાખેંચની રમતમાં કોમર્સ કોલેજ વર્ષોથી સિદ્ધિ હાંસલ કરી રહી છે. સતત ૭ વર્ષથી ભાઈઓની ટીમ અને ૬ વર્ષોથી બહેનોની ટીમ યુનિવર્સિટી ચેમ્પિયન બની છે. ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી પસંદગી પ્રક્રિયામાં પણ વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ૫ ભાઈઓ અને ૩ બહેનો યુનિવર્સિટી ટીમમાં પસંદગી પામી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જનાર છે. ખેલાડીઓને કોચિંગ અને માર્ગદર્શન શારીરિક શિક્ષણના અધ્યાપક પ્રા. મુકેશભાઈ કે.પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.
કોલેજનું ગૌરવ વધારી આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જનાર ખેલાડીઓને કોલેજના ટ્રસ્ટી મંડળના સભ્યો, આચાર્ય ડૉ.ગિરીશકુમાર એન. રાણા, કોલેજના તમામ ટીચિંગ અને નોનટીચીંગ સ્ટાફે અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી હતી.