ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકાના અતુલ ફાઉન્ડેશન દ્વારા તા. ૩ જુલાઈ ૨૦૨૪ના રોજ એક દિવસમાં એક લાખ વૃક્ષો વાવવાનું મિશન હેઠળ મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ- સંજીવનીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે તા. ૧ જુલાઈના રોજ અતુલ કલબ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
અતુલ ફાઉન્ડેશનના સીએસઆરના સિનિયર મેનેજર અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ટીમ અતુલના સભ્યો, વિક્રેતાઓ, વિતરકો, ગ્રાહકો અને સપ્લાયર્સ સહિત ૨૫ હજારથી વધુ સ્વયંસેવકો આ પહેલમાં ભાગ લેશે. આ વૃક્ષારોપણ અભિયાન ભારતમાં અને ભારત બહારના સાત દેશોમાં યોજાશે. જેમાં ખાસ કરીને અતુલ ગામ અને તેની આસપાસ લગભગ ૫૦ પ્રજાતિના મૂળ વૃક્ષો વાવવાનું લક્ષ્ય છે. અતુલ કંપનીના હોર્ટિકલ્ચર વિભાગના જનરલ મેનેજર ઘનશ્યામ ગૌદાણીએ જણાવ્યું કે, અતુલ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશ માટે ‘‘એક જ લક્ષ્ય, લાખ વૃક્ષ’’નો નારો ગુંજતો કરવામાં આવ્યો છે. સંજીવનીનો અર્થ અમરત્વ. એક વૃક્ષ એક વર્ષમાં ૨૨ કિલો કાર્બન ડાયોક્સાઇડ (CO2) શોષી લે છે. એક વૃક્ષનું સરેરાશ આયુષ્ય ૫૦ વર્ષ ગણીએ તો આ અભિયાન પૃથ્વીમાંથી ૧૧,૦૦,૦૦,૦૦૦ kg CO2 નું શોષણ કરી શકશે, જે પૃથ્વીને નવું જીવન પ્રદાન કરવા સમાન છે.
અતુલ ફાઉન્ડેશના કોમ્યુનિકેશન વિભાગના શીતલ સોનીએ પીપીટી દ્વારા શ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા સ્થાપવામાં આવેલી અતુલ કંપનીની સેવાકીય પ્રવૃત્તિ વિશે માહિતી આપી જણાવ્યું કે, અતુલને શરૂઆતથી જ સમાજ સેવાનો વારસો મળ્યો છે. આસપાસના લોકોના જીવનમાં સકારાત્મક યોગદાન આપી પોતાની જવાબદારી નિભાવી છે. સમાજ અને પ્રકૃતિમાંથી જે આવ્યું છે તે પાછું આપવું પડે છે. અતુલે તેની પ્રથમ સાઇટ પર લગભગ 10 લાખ વૃક્ષોનું જતન કર્યું છે, જે તેને વિશ્વના સૌથી હરિયાળા કેમિકલ કોમ્પ્લેક્સમાંનું એક બનાવે છે. આ વર્ષે, અતુલ ગામને ભારતીય ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ તરફથી પ્રતિષ્ઠિત પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયું, જે ગામમાં હરિયાળી અને ટકાઉ પ્રથાઓ લાગુ કરવા માટે ભારતીય ઉદ્યોગ સંઘની પહેલ છે.
અતુલ ફાઉન્ડેશન CSR પ્રવૃત્તિ અંતર્ગત શિક્ષણ, સશક્તિકરણ, આરોગ્ય, રાહત, માળખાકીય સુવિધાઓ અને સંરક્ષણ સંબંધિત વિવિધ પહેલો સાથે સમાજની સેવામાં વ્યસ્ત છે. તા. ૩ જુલાઈના રોજ સવારે ૧૦ કલાકે કલ્યાણી સ્કૂલના સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. આ અભિયાનમાં આસપાસના ૨૦ ગામના લોકો જોડાશે. જેમાં ગ્રામ પંચાયત અને આંગણવાડીનો પણ સમાવશે કરાયો છે. વધતી જતી ગરમીના કારણે હવે લોકોને વૃક્ષોનું મહત્વ સમજાઈ રહ્યું છે ત્યારે એક લાખ વૃક્ષોથી કાર્બન ડાયોક્સાઈડ શોષવાથી ધરતી માતાને સંજીવની મળશે. છેલ્લા ૨૫ વર્ષમાં અતુલ ફાઉન્ડેશન દ્વારા ૧૦ લાખ વૃક્ષો રોપવામાં આવ્યા છે. જેને પગલે આસપાસના વિસ્તારમાં ઘરો લીલાછમ વૃક્ષોથી ઢંકાયેલા રહે છે. ત્યારે આ અભિયાનમાં તમામ લોકોને જોડાવા અને પર્યાવરણનું જતન કરવા અતુલ ફાઉન્ડેશન દ્વારા આહવાન કરાયુ છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં અતુલ કંપનીના યુટીલીટી એન્ડ સર્વિસીસ વિભાગના મેનેજર ગૌતમભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન કરી વૃક્ષારોપણ અભિયાનની પ્રાથમિક માહિતી આપી હતી.