ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના મલ્ટીપર્પઝ હોલ ખાતે મામલતદાર કચેરી અને એન એસ એસ ના સંયુક્ત ઉપક્રમે સ્વિપ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાએ જણાવ્યું કે, લોકશાહી એ દેશનો પાયો છે અને આ લોકશાહી મતદાન પર આધારિત છે. લોકોના મતથી જ દેશની પ્રગતિ નિર્ભર કરે છે અને લોકશાહી ટકે છે. આપણા દેશની લોકશાહી વિશ્વમાં વખણાયેલી છે. જેમાં ત્રિ -સ્તરીય લોકશાહીનું મહત્વ સમજાવી આપણા સૌની મુખ્ય ફરજ બને છે કે, લોકોને વધુને વધુ મતદાન માટે જાગૃત કરી દેશના નાગરિક તરીકેની પ્રાથમિક ફરજ સમજાવીએ.
મુખ્ય મહેમાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.બી.વસાવાએ એક મત પણ કેટલો ઉપયોગી છે તે વાત અબ્રાહમ લિંકનના ઉદાહરણ દ્વારા સમજાવી વિદેશમાં પણ લોકશાહી માટે લોકો જાગૃત છે જેઓ ૧૦૦ ટકા મતદાન તરફ પ્રેરાય છે જયારે આપણા દેશમાં હજુ લોકો મતદાન માટે નિરસતા ધરાવે છે. તો આપણા સૌની ફરજ છે કે, લોકો વધુને વધુ મતદાન કરવા પ્રેરાય અને આપણી લોકશાહીને ટકાવી રાખવામાં પોતાનું યોગદાન આપે. અહીં એવા યુવાવર્ગ હશે જેઓ પ્રથમ વખત EPIC કાર્ડ બનાવ્યા હશે અને પ્રથમ વખતે જ મતદાન કરશે તો તે અંગેનો ઉત્સાહ ટકાવવો આવશ્યક છે. મતદાન કરવું આપણા સૌની પવિત્ર ફરજ છે. મતદાન જાગૃતિ માટે “અવસર” અને “લોકશાહી મારા ભારતની” વિડીયો કલીપ વિદ્યાર્થીઓને દર્શાવાય હતી. વોટીંગનું મહત્વ દર્શાવતા ગીતનું શ્રવણ પણ વિદ્યાર્થીઓએ કર્યું અને તેની સાથો સાથ મતદાન જાગૃતિ અંગે શપથ પણ લીધા હતા.
કાર્યક્રમમાં બી.આર.સી. કો-ઓર્ડીનેટર મિતેશ પટેલ, પ્રાંત કચેરીના નાયબ મામલતદાર પી.જે.પટેલ, નાયબ મામલતદાર જે.આર.પટેલ અને કો.ઓપરેટર મહર્ષિ કંસારા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ સ્વયંસેવક પાર્થ જોષી દ્વારા થયું હતું. આભારવિધિ ડૉ.મિનાક્ષી જરીવાલાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરો ડૉ.આર.જી.પવાર, પ્રા.એમ.જી.પટેલ, ડૉ.મિનાક્ષી જરીવાલા તથા પ્રા.ચિરાગ રાણાએ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમની પ્રેરણા કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાએ પૂરી પાડી હતી.