ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી. વિદ્યાલયમાં તાલુકા કક્ષાના ‘ખેલ મહાકુંભ’ 3.0 ની કબડ્ડી સ્પર્ધાનું આયોજન તા.૦૮/૦૧/૨૦૨૪ને બુધવારે કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે નવસર્જન કેળવણી મંડળના ઉપપ્રમુખ બળવંતરાય ગજધર તથા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભના કન્વીનર જગદીશભાઈ પટેલ, નિર્ણાયક તરીકે ધનસુખભાઈ ટંડેલ, વિરેન્દ્રસિંહ ઠાકોર, આશાબેન અને હેતલબેન ઉપસ્થિત રહ્યા હતા.
શાળાની બાળાઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી જીતેન્દ્ર ટંડેલે ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું અને પ્રાસંગિક ઉદબોધન કરી તમામ મહેમાનશ્રીઓ અને સ્પર્ધકોને આવકાર્યા હતા. ખેલ મહાકુંભના કન્વીનર જગદીશભાઈએ પોતાના વક્તવ્યમાં તમામ સ્પર્ધકોને ખેલ મહાકુંભનું મહત્વ સમજાવી કબડ્ડી સ્પર્ધાના નિયમોથી વાકેફ કર્યા હતા અને તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. નવસર્જન કેળવણી મંડળના પ્રમુખ ભીખુભાઈ દેસાઈ તથા મંત્રી ડૉ.દીપકભાઈ દેસાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના મદદનીશ શિક્ષક નિનાદ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.