આ સમાજનાં વિદ્યાર્થીઓને કેમ IAS/IPS ની પરીક્ષા પાસ કરવા આહવાન કરાયું

દર વર્ષે કોળી સમાજના તેજસ્વી તારલાઓનું વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે કોળી પટેલ સમાજની પ્રગતિની નિશાની છે: ધારાસભ્ય ભરતભાઈ પટેલ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપક્રમે કોળી પટેલ સમાજના 160 જેટલા તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા પ્રતિભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજની કોળી પટેલ પ્રતિભાઓને સન્માનિત કરતા વલસાડ કોળી પટેલ સમાજના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું નિવારણ શિક્ષણ છે. સમાજની નવયુવા પેઢી શિક્ષિત અને સંસ્કારી બને તે માટે સરકાર તેમજ સમાજનું મંડળ સતત પ્રયત્નશીલ છે. દર વર્ષે કોળી સમાજના તેજસ્વી તારલાઓનું વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે કોળી પટેલ સમાજની પ્રગતિની નિશાની છે.

વલસાડના ધારાસભ્ય અને કોળી પટેલ સમાજના પ્રમુખ ભરતભાઈએ વધુમાં કહ્યું હતું કે સમાજના ઉત્કર્ષ માટે મંડળ અનેક પ્રવૃત્તિઓ કરે છે. નવરાત્રમાં ગરબા મહોત્સવ ગરીબ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ તેમજ રાહતદરે નોટબુકનું વિતરણ કરે છે. દર વર્ષે સમૂહલગ્ન, ક્રિકેટ ટુર્નામેન્ટ, મેડિકલ કેમ્પ તેમજ યુવક યુવતિઓનો પરિચય મેળો યોજવામાં આવે છે. આવા કાર્યક્રમોના માધ્યમથી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે પટેલ સમાજ પ્રગતિ મંડળ સનિષ્ઠ પ્રયાસો કરતાં આવ્યા છે. વલસાડ શહેરમાં સમાજની વાડીના નિર્માણ માટે કોળી સમાજના પૂર્વજોએ કરેલા ભગીરથ કાર્યની તેમણે સરાહના કરી હતી.

આ પ્રસંગે વલસાડના દાનવીર બિલ્ડર બિપીનભાઈ પટેલે જણાવ્યું હતું કે કોળી સમાજના લોકોમાં આગવી પ્રતિભાઓ છે. દર વર્ષે ડોક્ટરની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વિવિધ ફેકલ્ટીઓમાં આપણા સમાજના ડોક્ટરો સુપર સ્પેશિયાલિટી બન્યા છે. પરંતુ યુપીએસસી અને જીપીએસસીની સરકારી નોકરીઓમાં સ્થાન અંકિત કરવા માટે આપણે સમાજ હજુ પાછળ છે. આઈ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.આર.એસ. જેવી પરીક્ષાઓ ખૂબ જ તનતોડ મહેનત અને ધીરજ અને ખંત માગી લે છે. આવી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શન અને તાલીમ મળી રહે તો કોળી સમાજના યુવાનો તેમનું ટેલેન્ટ ઉજાગર કરી શકે એમ છે.

આ પ્રસંગે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં તેજસ્વી સિદ્ધિ હાંસલ કરનાર, દેખાવો કરનાર 136 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ ધરાવતી 24 પ્રતિભાઓ સહિત 107 જેટલી પ્રતિભાઓને સન્માન પત્ર અને શાલ ઓઢાડી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ ડોક્ટર જયંત પટેલ અને ડોક્ટર ધ્રુવિન પટેલના હસ્તે દીપ પ્રગટાવી કરાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના વિવિધ દાતાઓ તરફથી ૬ લાખ રૂપિયાની ધન રાશિનું દાન આપવાની જાહેરાત કરાઈ હતી. આ પ્રસંગે ઊંટડી હાઇસ્કુલના જાણીતા શિક્ષક કમલેશભાઈ પટેલ, ડુંગરી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ ચંદુભાઈ પટેલ, ડો.ધૃતિ પટેલ, ડો.બીના પટેલ સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ કાર્યકરો કારોબારી સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મંડળના ઉપપ્રમુખ શશીકાંત પટેલ કર્યું હતું. આભાર વિધિ મંડળના મંત્રી રામુભાઈ પટેલે કરી હતી. કાર્યક્રમની સફળતા માટે મંડળના સહમંત્રી રોહિતભાઈ પટેલ, ખજાનચી ચંદુભાઈ પટેલ, દર્શનાબેન પટેલ, યોગેશભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, મનહરભાઈ પટેલ જહેમત ઉઠાવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!