ગુજરાત એલર્ટ । વલસાડ
ગાંધીનગર જીસીઈઆરટી અને વલસાડ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રેરિત તથા વલસાડ તાલુકા પંચાયત આયોજિત બીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને વલસાડ નગરપાલિકા વહીવટદાર ગૌરાંગ વાસાણીના હસ્તે ખૂલ્લું મૂકાયું હતું. પ્રદર્શનમાં સમારંભના પ્રમુખ તરીકે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તા. ૧૧ અને ૧૨ ઓક્ટો. બે દિવસ યોજાયેલુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સફળ રીતે સંપન્ન થયું હતું. સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત પ્રદર્શનમાં શાળાઓમાંથી ૬૦ કૃતિ રજુ થઈ હતી. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને નિહાળવા ૩૦૦૦ લોકો જોડાયા હતા.
પ્રથમ વિભાગ (સ્વાસ્થ્ય)માં પ્રથમ નંબરે કોસમકૂવા પ્રાથમિક શાળા, બીજા નંબરે નાની દાંતી પ્રાથમિક શાળા, બીજો વિભાગ (જીવન પર્યાવરણની અનુરૂપ જીવનશૈલીમાં) પ્રથમ નંબરે આગર ફળિયા માલવણ પ્રાથમિક શાળા બીજા નંબરે હાલર પ્રાથમિક શાળા, ત્રીજો વિભાગ (કૃષિ)માં પ્રથમ નંબરે ઊન્ડી ફળિયા, અટગામ પ્રાથમિક શાળા, બીજા નંબરે ભાગલ પ્રાથમિક શાળા, ચોથો વિભાગ (પ્રત્યાયન અને વાહનવ્યવહાર)માં પ્રથમ નંબરે પ્રાથમિક સંસ્કાર વિદ્યામંદિર, ખોખરા પ્રાથમિક શાળા અને બીજા નંબરે નવેરા પ્રાથમિક શાળા, પાંચમો વિભાગ (ગણનાત્મક ચિંતન- કમ્પ્યુટરના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા)માં પ્રથમ નંબરે ભદેલી બ્રાન્ચ પ્રાથમિક શાળા, બીજા નંબરે ભોળાનગર પ્રાથમિક શાળા વિજેતા જાહેર થઈ હતી. પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલી તમામ શાળા હવે જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
આયોજક તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૌશર જહા, બીઆરસી કૉ. ઑર્ડિનેટર મિતેષભાઈ, સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના આચાર્ય હરેશભાઈ, વલસાડ લાયઝન અધિકારી ડાયટ પન્નાબેન તથા વલસાડ પાલિકાના મુખ્ય ઇજનેર હિતેશભાઈ દ્વારા પ્રદર્શનને સફળ બનાવનાર સર્વેનો ર્ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.
પ્રથમ અને બીજા ક્રમે વિજેતા શાળાઓ હવે જિલ્લા કક્ષાએ વલસાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે