વલસાડ
કોન્ટ્રાક્ટરનું બિલ મંજુર કરવા વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને આસિસ્ટન્ટ ઈજનેર વતી વચેટીયો રૂ. 15 લાખની લાંચ લેતાં ઝડપાઇ જતાં ચકચાર મચી ગઈ છે. એસીબીએ વચેટિયા અને નાયબ કાર્યપાલક ઈજનેરની ધરપકડ કરી છે જયારે આસિસ્ટન્ટ ઈજનેર મળી આવ્યા નથી.
એસીબી સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ કામના ફરિયાદી સબ કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય અને તેમણે સને-૨૦૧૯-૨૦ માં વલસાડ જીલ્લામાં આવેલ કાર્યપાલક ઇજનેરની કચેરી, પંચાયત વિભાગ માર્ગ અને મકાન વિભાગ તરફથી નદી ઉપરથી પસાર થતા રસ્તાના બ્રિજનું કામ રાખેલ હોય, આ કામ પુર્ણ થતા તેના ફાયનલ બીલ મંજુર કરવાની કાર્યવાહી કરવાના અવેજપેટે ૧) નિલય ભરતભાઈ નાયક,હોદ્દો,નાયબ કાર્યપાલક ઇજનેર,વર્ગ-૨,પંચાયત (માર્ગ X મકાન) પેટા વિભાગ,વલસાડ.
(૨) અનિરૂધ્ધ માધુસિંહ ચૌધરી, હોદ્દો, આસીસટન્ટ ઇજનેર, વર્ગ-૨,પંચાયત (માર્ગ X મકાન) પેટા વિભાગ,વલસાડ.(સ્થળ પર મળી આવેલ નથી)
(૩) વિક્ર્મભાઈ ક્રાતીભાઈ પટેલ,(ખાનગી વ્યકિત)એ એકબીજાના મેળપીપણામાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસે રૂ.૨૦,૦૦,૦૦૦/-ની લાંચની માગણી કરી હતી. જે રકઝકના અંતે રૂ.૧૫,૦૦,૦૦૦/-નકકી થયા હતાં. જે લાંચની રકમ રૂ.૧૫,૦૦,૦૦૦/- ફરીયાદી આપવા માંગતા ન હોય,
તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરીયાદીની ફરીયાદના આધારે એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સપેકટર, ફિલ્ડ, એ.સી.બી.સુરત એકમ તથા એ.સી.બી.સ્ટાફ દ્વારા આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા આરોપી નં.(૧) તથા (૨) નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી નં.(૧) તથા (૨) ના કહેવાથી આરોપી નં.(૩) નાએ રૂ.૧૫,૦૦,૦૦૦/-ની લાંચની રકમ સ્વીકારી ઉપરોકત આરોપી નં-(૧), (૨) તથા (૩) નાઓ એકબીજાની મદદગારીમાં ગુનો આચરેલ હોય, આરોપી નં-(૧) અને (૩) જીલ્લા પંચાયત વલસાડની કચેરીના મુખ્યગેટ પાસે સ્થળ પર પકડાઇ ગયાં હતા. જયારે આરોપી નં. 2 સ્થળ ઉપર મળી આવ્યાં ન હતાં.