ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડમાં 10 વર્ષ પહેલાં શહેરના ડોક્ટરો, ઉદ્યોપતિઓ અને અન્ય સ્વાસ્થ્ય પ્રેમીઓએ એક મેરેથોનનું આયોજન કર્યું હતુ. જેમાં શહેર જ નહી, આખા જિલ્લાના લોકોને જાગૃત કરવાનો તેમણે એક પ્રયાસ શરૂ કર્યો હતો. જે પ્રયાસ સફળ થયો અને હવે આજે તેમની 10મી મેરેથોન ખૂબ ઉત્સાહ અને જોશ સાથે પૂર્ણ થઇ હતી. આ મેરેથોનમાં 1200 થી વધુ દોડવીરો દોડ્યા હતા. આજની 42 કિમીની ફૂલ મેરેથોન, 21 કિમીની હાફ મેરેથોન અને 10 તેમજ 5 કિમીની દોડમાં પણ સમગ્ર જિલ્લા સહીત દક્ષિણ ગુજરાતના સ્વાસ્થ્ય પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.
વલસાડ રેસર્સ ગૃપની 10મી મેરેથોન વલસાડ તિથલ બીચ પાસેથી શરૂ થઇ હતી. જે વલસાડ તિથલ રોડ પરથી હાલર વિસ્તાર અને સેગવી રોડથી પરત તિથલ આવી હતી.
જે મુજબનું ડિસ્ટન્સ તે મુજબનો રૂટ નક્કી કરાયો હતો. આ રેસમાં વલસાડના ડોક્ટરો, અન્ય વ્યવસાયી જેમકે વકીલ, સીએ, પત્રકારો, નોકરિયાતો વગેરે ખૂબ ઉત્સાહથી દોડ્યા હતા. વલસાડ રેસર્સ ગૃપની આ મેરેથોનમાં ખાસ કરીને વલસાડ ડીએસપી ડો. કરનરાજ વાઘેલા તેમજ તેમની ટીમ આવી હતી. આ સિવાય સેલવાસ કલેક્ટર તેમજ નવસારી એસપી પણ આ મેરેથોનમાં ભાગ લેવા ખાસ નવસારીથી આવ્યા હતા.
વલસાડ રેસર્સ ગૃપ દ્વારા શહેરીજનોને દોડતા કરવા શરૂ કરાયેલી મેરેથોન બાદ જિલ્લામાં અન્ય સંગઠનો દ્વારા પણ અવાર નવાર મેરેથોનનું આયોજન શરૂ થયું છે. જોકે, રેસર્સ ગૃપની મેરેથોનમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સમગ્ર મેરેથોનના રૂટ પર થોડા થોડા અંતરે પાણી, એનર્જી ડ્રીંક, ફ્રુટ તેમજ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવાય હતી. મેરેથોન બાદ પૌષ્ટિક અલ્પાહારની વ્યવસ્થા પણ કરાઈ હતી. મેરેથોનમાં ત્રયમ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા જાગૃતિ ફેલાવાઈ હતી. વલસાડ રેસર્સ ગ્રુપના સભ્ય એવા શિક્ષક પિયુષભાઈ પટેલે ફોટોગ્રાફીની સુવિધા આપી હતી.
સમગ્ર મેરેથોનના આયોજનમાં વલસાડ રેસર ગ્રુપના ફાઉન્ડર સભ્ય ડૉ. કલ્પેશ જોશી, ડૉ. સંજીવ દેસાઈ, ડૉ. અજિત ટંડેલ, નિતેશ પટેલ, યતીન પટેલ, પ્રીતેશ પટેલ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર મેરેથોન દરમિયાન વલસાડ રોયલ ક્રૂઇઝર ગ્રુપના બુલેટ રાઇડરો દોડવીરોની સેવામાં ઉપસ્થિત રહ્યા હતા. રોટરી દ્વારા ફીઝિયોની સેવા પૂરી પાડવામાં આવી હતી.
મેરેથોન પહેલા ઝૂમ્બા અને પછી ગરબા પણ રમાયા
વલસાડમાં યોજાયેલી મેરેથોન પહેલા સ્ટ્રેચિંગ માટે ઝુમ્બા ડાન્સનો દોડવીરોએ આનંદ લીધો હતો. તેમજ મેરેથોન પછી દોડવીરો ગરબાના તાલે ઝૂમ્યા હતા. આ સિવાય રોડ પર કેટલાક ઠેકાણે ડીજે ના તાલે પણ દોડવીરો ઝૂમ્યા હતા.