ગુજરાત એલર્ટ । વલસાડ
નવરાત્રીમાં માતાજીની આરાધના માટે પરંપરાગત રીતે શેરીમાં થતા ગરબાઓ મોટા મેદાનોમાં થઇ રહેલા ગરબાના આયોજનોના કારણે ભુલાઇ રહ્યા છે. ત્યારે વલસાડની સંસ્થાઓ દ્વારા તેને જીવંત રાખવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં તેઓ મહદંશે સફળ પણ થયા છે. આ વર્ષે ઉડાન સંસ્થા દ્વારા યોજેલી શેરી ગરબા સ્પર્ધામાં અધધ કહી શકાય એટલી 55 એન્ટ્રી આવી હતી. જ્યારે લાયન્સ ગૃપ દ્વારા યોજાયેલી સ્પર્ધામાં 25 જેટલી એન્ટ્રીઓ આવી હતી. જેમાં વૃદ્ધો જ નહી, પરંતુ યુવાનો પણ ઉત્સાહથી ભાગ લેતા જોવા મળ્યા હતા.
વલસાડની ઉડાન સંસ્થાની પ્રણેતા જાનકી ત્રિવેદીએ છેલ્લા 9 વર્ષથી શેરી ગરબાને જીવંત કરવા બીડું ઝડપ્યું હતુ. જેઓ દર વર્ષે નવરાત્રી સમયે શેરી ગરબાનું આયોજન કરી રહ્યા છે. દર વર્ષે તેમની સ્પર્ધામાં એન્ટ્રીનો સતત વધારો થતો રહ્યો છે. ગત વર્ષે 48 એન્ટ્રી બાદ આ વર્ષે 55 એન્ટ્રી આવી હતી. તેઓ જણાવે છે કે, આ વર્ષે 10 એન્ટ્રી વધુ લઇ શકાતે પરંતુ સમયના અભાવે તેમને ના પાડવી પડી હતી. પારંપરાગત રીતે લાઉડ સ્પિકર વિના તબલા અને મંજીરા તેમજ હારમોનિયમ સાથે મોં થી ગાઇને રમાતા ગરબાની પરંપરાને તેમણે જીવંત રાખી હતી. નવરાત્રીની માતાની ખરા અર્થમાં તેઓ આરાધના કરાવવામાં સફળ થઇ રહ્યા છે.
આ વર્ષે વલસાડની લાયન્સ ક્લબ દ્વારા પણ આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કર્યું હતુ. જેમાં 25 જેટલી એન્ટ્રી આવી હતી. આ ઉપરાંત વલસાડ અનાવિલ સમાજ દ્વારા પણ શેરી ગરબાનું આયોજન કરાયું હતુ. જેમાં તેમના સમાજની 18 ગૃપોએ ભાગ લીધો હતો. આ ટીમમાં 2 ગૃપ માત્ર પુરુષોનું હતુ. આ યુવાન પુરુષોના ગૃપે અદભૂત રીતે ગરબા રમી લોકોના મન મોહી લીધા હતા. આ સિવાય ઉડાન અને લાયન્સ ક્લબ યોજિત શેરી ગરબા સ્પર્ધામાં પણ કેટલાક ગૃપોમાં પુરુષોની સૂચક હાજરી જોવા મળી હતી.
સ્પોન્સરો પણ પરંપરાને જાળવવામાં આગળ આવ્યા
વલસાડમાં યોજાઇ રહેલી આ સ્પર્ધાને લોકો પણ ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. અનેક દુકાનદારો, રેસ્ટોરન્સ ધારકો, સલુન તેમજ અનેક ધંધાર્થીઓએ આ સ્પર્ધા માટે આર્થિક સપોર્ટ કર્યો હતો. જેના પગલે આયોજકોએ સ્પર્ધામાં રહેલા તમામ સ્પર્ધકોને લ્હાણી વહેંચી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તેમના દ્વારા એન્ટ્રી ફી પણ ડિપોઝીટ તરીકે જ લેવાતી હતી. સ્પર્ધા દરમિયાન તેમણે એન્ટ્રી ફી પણ પરત કરી હતી. બીજી તરફ સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેવા માટે રૂ. 7 થી રૂ. 10 હજાર જેટલો ખર્ચ પણ કર્યો હતો. જે તેમનો ઉત્સાહ દર્શાવી રહ્યો હતો.