ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા આજરોજ વલસાડ વિધાનસભા વિસ્તારનો નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને પર્યાવરણ, પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે.
વલસાડનાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા આજરોજ સાંજે 5:30 કલાકે ભાગડાવડા ગામે એમનાં નિવાસ સ્થાન પાસે આવેલાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર વલસાડ વિધાનસભા વિસ્તારના મતદારો માટે નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં વલસાડ વિધાનસભા મત વિસ્તારના તમામ લોકોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપ્યું છે. ભરતભાઈ પટેલે આ સ્નેહમિલન સમારંભ થકી નગરપાલિકા, જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતના, સંગઠનના હોદ્દેદારો, સભ્યોને આવનારી લોકસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી નિભાવવાનો સંદેશ આપશે. સાથે જ નવા વર્ષની સૌને શુભકામનાઓ આપશે.
સ્નેહ મિલન કાર્યક્રમમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લા તથા શિવજી મહારાજ આશીર્વચન આપવા ઉપસ્થિત રહેશે. ઉપરાંત વલસાડનાં સંસદ ડો. કે. સી. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડ જિલ્લા ભાજપના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ, હર્ષદભાઈ કટારીયા, ડો. પ્રકાશચંદ્ર પટેલ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.