વલસાડના પુત્ર અને વલસાડના માજી ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ શ્રી બરજોર કાવસજી પારડીવાલા ના સુપુત્ર શ્રી જમશેદ પારડીવાલા ની ગુજરાત હાઇકોર્ટના જજ માંથી ભારત ની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણુંક થતાં વલસાડ જિલ્લાના વકીલો માં ખુશી ની લહેર વ્યાપી હતી જેના ભાગરૂપે સોમવારના રોજ વલસાડ ડીસ્ટ્રીક કોર્ટ મુકામે મોટી સંખ્યામાં વકીલોએ ભેગા થઇ ફટાકડા ફોડી પેંડા વહેંચી ઉજવણી કરી હતી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ પી. ડી. પટેલે જણાવ્યું હતું કે જસ્ટિસ શ્રી જમશેદ બરજોર પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણુંક થતાં વલસાડ જિલ્લા તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અમને એ વાતનો ગૌરવ છે કે તેઓ શરૂઆતમાં અમારી સાથે વલસાડ મુકામે પ્રેક્ટિસ કરતા હતા. ભરતભાઈ ડી. દેસાઈએ જણાવ્યું હતું કે જસ્ટિસ શ્રી જમશેદ પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણુંક થતા ગુજરાતનું અને ખાસ કરીને વલસાડનું ગૌરવ વધાર્યું છે. માજી વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ તથા જનરલ માણેકશા પણ વલસાડના હતા.
પારડીવાલા પરિવારની ચાર પેઢીએ ખુબ જ ધુરંધર વકીલો આપ્યા, જે પૈકીનું ચોથી પેઢીનું સંતાન એટલે જસ્ટિસ શ્રી જમશેદ પારડીવાલા.
સ્વભાવે ખુબજ ધીરગંભીર અને નિખાલસ એવા જમશેદ પારડીવાલા ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બને એવી શુભેચ્છા સાથે વકીલોએ ખુશી વ્યક્ત કરી હતી.