ગુજરાત એલર્ટ । વલસાડ
મીડિયા કર્મીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી વલસાડના પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા પાછલા વર્ષોના સફળ આયોજન બાદ પત્રકારો માટે સતત ચોથા વર્ષે મીડિયા એવોર્ડ પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવનાર છે. જે પ્રતિયોગીતામાં ભાગ લેવા ઈચ્છતા પત્રકારોએ પોતાની પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની ન્યૂઝ કોપી મોકલવાની રહેશે. જેમાંથી પસંદ પામેલી સ્ટોરીઓના પત્રકારોને એવોર્ડ વિતરણ સમારંભમાં જુદી જુદી કેટેગરીમાં પારિતોષિકોથી નવાજવામાં આવશે. કેટેગરીમાં બેસ્ટ હ્યુમન સ્ટોરી, બેસ્ટ ઈન્વેસ્ટીગેટીવ સ્ટોરી, બેસ્ટ ઈમ્પેક્ટ સ્ટોરી, બેસ્ટ પોઝિટિવ સ્ટોરી, બેસ્ટ સોફ્ટ સ્ટોરી, હટકે સ્ટોરી (કંઈક અલગ), બેસ્ટ ફોટો સ્ટોરી અને બેસ્ટ વીડિયો ફૂટેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવોર્ડ પ્રતિયોગીતામાં વલસાડ, નવસારી, ડાંગ જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના મીડિયા કર્મીઓ ભાગ લઈ શકશે. એક મીડિયા કર્મી એક કેટેગરીમાં ફ્કત બે જ સ્ટોરી મોકલી શકશે. એવોર્ડ માટે મોકલવામાં આવેલી સ્ટોરી મીડિયા સાથે સંકળાયેલા નિષ્ણાત જજો દ્વારા પસંદ કરી નિર્ણય લેવાશે. જે નિર્ણય આખરી ગણાશે.
એવોર્ડ પ્રતિયોગીતાનું પરિણામ સ્ટેજ કાર્યક્રમ દ્વારા સ્ટેજ પરથી જાહેર કરી મીડિયા કર્મીઓને એવોર્ડ અને પારિતોષિકોથી સન્માનવામાં આવશે. એવોર્ડ પ્રતિયોગીતા માટેની પરિણામની તારીખ હવે પછીથી જણાવવામાં આવશે. જેની એન્ટ્રી નિઃશૂલ્ક રહેશે. જે તે મીડિયા કર્મીએ ન્યૂઝ ઈ-મેઈલ આઈડી patrakarwelfareassociation@gmai.com પર મોકલવાના રહેશે. સાથે પ્રિન્ટ મીડિયાની કોપી વંચાઈ તે મુજબની મોકલવી તથા ન્યૂઝ પેપરનું નામ અને તારીખ સાથેની માહિતી ઈ-મેઈલમાં મોકલવી, ઈમેઈલમાં જે તે મીડિયા કર્મીએ પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી મેઈલમાં લખવાનું રહેશે. ઈલેકટ્રોનિક મીડિયાના વીડ્યો ન્યૂઝની યુ-ટ્યુબ લીંક ઈ-મેઈલમાં મોકલવાની રહેશે, જો યુ ટ્યુબ લીંક ન હોય અને વીડિયો ન્યૂઝ મોકલવા પડે તેવા સંજોગોમાં ઈમેઈલ પર મોકલાવાયેલા વીડિયો ન્યૂઝની સાઈઝ મહત્તમ ૨૦ એમબીની જ હોવી જોઈએ, વધુ સાઈઝના વીડિયો સ્વીકારાશે નહી, એક મીડિયા કર્મી મહત્તમ બે જ વીડિયો ન્યૂઝ મોકલી શકશે, સાથે ચેનલો પર ચાલેલા ન્યૂઝની તારીખ ફરજિયાત મોકલવાની રહેશે.
આ એવોર્ડ સમારંભ માટે તા. ૦૧-૦૧-૨૦૨૩ થી તા. તા. ૩૧-૧૨-૨૦૨૩ સુધીમાં છપાયેલા અથવા પ્રસિધ્ધ થયેલી પ્રિન્ટ અથવા વીડિયો ન્યૂઝ જ માન્ય ગણવામાં આવશે. જે તે મીડિયાકર્મીએ પોતાના ન્યૂઝ તા. ૨૦-૦૧-૨૦૨૪ સુધીમાં ઈ-મેઈલ પર મોકલી દેવાના રહેશે. ફક્ત ઈ-મેઈલથી આવેલી એન્ટ્રી જ ધ્યાનમાં લેવામાં આવશે. વધુ માહિતી માટે મો.નં. ૮૯૯૯૮૩૩૩૩૩ પર સંપર્ક સાધવા પત્રકાર વેલફેર એસોસિએશનની અખબારી યાદીમાં જણાવાયું છે.