ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા World palliative care day (લાંબા ગાળાથી બિમારી ધરાવતા દર્દીની સંભાળ રાખવાનો દિવસ)ની ઉજવણી વલસાડની સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ હોલમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
અસાધ્ય બિમારી તેમજ લાંબા ગાળાથી બિમારી ધરાવતા દર્દીઓની સરકારી હોસ્પિટલ- દવાખાના તેમજ ઘરે કેવી રીતે સાર સંભાળ લેવી તે બાબતે જનજાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે તા. ૧૨ ઓક્ટોબરના રોજ World palliative care dayની ઉજવણી કરવામાં આવે છે. દર્દીના જીવનની ગુણવત્તામાં સુધારો કરતી આવશ્યક સેવાઓ વિશે જાગૃતિ લાવવામાં આવે છે. આ ઉજવણી પ્રસંગે પારડીના હેલ્પિંગ ગૃપના પ્રમુખ ડો.પ્રફૂલ મહેતા તથા તેમની ટીમ દ્વારા અર્બન હેલ્થ સેન્ટર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના મેડિકલ ઓફિસરો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો અને આશાબેનોને અસાધ્ય રોગોથી પીડિત દર્દીઓને સારી સંભાળ કેવી રીતે લેવી તે અંગેની સમજ આપવામાં આવી હતી જેથી દર્દીની જીવનની ગુણવતા જળવાઈ રહે. આ સિવાય Pallative Careનું મહત્વ, Pallative Care માટે પુરી પાડનારની ભૂમિકા અને સમુદાયમાં રહેલા દર્દીઓ સાથે જોડાણ અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
આ ઉજવણીમાં દરેક તાલુકાનાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, અર્બન પ્રા.આ.કેન્દ્રના તમામ મેડિકલ ઓફિસરશ્રીઓ, આયુષ્માન આરોગ્ય મંદિરના તમામ સી.એચ.ઓ.શ્રીઓ અને આશાબહેનો, સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.