ગુજરાત એલર્ટ|વલસાડ
દર્દીઓ સાથે તોછડાઇથી વાત કરી તેમનું અપમાન કરવા માટે ટેવાયેલા વલસાડના એક ડોક્ટરે વરિષ્ઠ મહિલા સાથે ખુબ અપમાનિત વર્તન કર્યું હતુ. જેના પગલે મહિલા સાથે ગયેલી તેમની વહુએ આ અંગે વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને એક ફરિયાદ કરતાં ચર્ચાનો વિષય બન્યો છે.
બનાવ અંગે કરાયેલી ફરિયાદમાં જણાવ્યાં મુજબ વલસાડ તીથલરોડ વિસ્તારમાં રહેતા એક મહિલાને યુરિન ઇન્ફેક્શનની ફરિયાદ હતી. જેના માટે તેઓ આ અકડું મિજાજી ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઇ તેમની પાસે નિદાન કરાવ્યું હતુ. એ સમયે પણ થોડી તોછડી વાત કરનારા ડોક્ટરે દવા આપતા મહિલાને સારું થઇ ગયું હતુ. ત્યારે ડોક્ટરે મહિલાને વાઢ કાપ વિનાનું એક ઓપરેશન (પ્રોસિજર) કરાવવા જણાવ્યું હતુ. જોકે, મહિલાને ડોક્ટરની દવાથી સારું થઇ ગયું હતુ. આ સિવાય મહિલાના સ્વજન ડોક્ટરે પણ આ માથાભારે ડોક્ટર સાથે વાત કરી હતી. જેમાં દવાથી સારું હોય તો હાલ પ્રોસિજર ન કરશો તો ચાલશે એવું જણાવ્યું હતુ. આ ઘટનાના એક વર્ષ બાદ જ્યારે 75 વર્ષના વૃદ્ધ મહિલા આ અકડુ ડોક્ટર પાસે 16 મી ફેબ્રુઆરીના રોજ ગયા ત્યારે, તે અચાનક ઉકળી ઉઠ્યો હતો અને મહિલાને અપમાનિત કરવાનું શરૂ કર્યું હતુ. વૃદ્ધ મહિલા કંઇ પણ બોલે એ પહેલાં જ તેણે જણાવ્યું કે, એક વર્ષ સુધી કેમ બેસી રહ્યા. તમારા જેવા લોકોને હું ક્લિનિકમાં પગ પણ ન મુકવા દઉં. એક ડોક્ટરની ભલામણના કારણે તમને જોઉં છું. બાકી તમારા જેવા દર્દીની સારવાર માટે મને કોઇ પણ પ્રકારનો રસ નથી.
પોતાની કોઇ પણ ભૂલ ન હોવા છતાં ડોક્ટરના આવા વ્યવહારથી વરિષ્ઠ મહિલા જ નહી, તેમના વહુ પણ ડઘાઇ ગયા હતા અને તેમણે આ અંગે 17 મી ફેબ્રુઆરીના રોજ વલસાડ જિલ્લા કલેક્ટરને એક લેખિત ફરિયાદ કરી છે. તેમજ તેમણે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ વલસાડના પ્રમુખને પણ તેની નકલ રવાના કરી છે.
વલસાડના આ ડોક્ટરે આવું વર્તન કર્યું એવી વાત મહિલાના પરિવારે અન્યને કરતાં તેમણે જણાવ્યું કે, આ ડોક્ટર જ આવો છે. તમે કેમ તેમની પાસે ગયા. આ ડોક્ટરને દર્દીનું અપમાન કરવાનો જાણે શોખ હોય એવું લાગે છે. જેનો ભોગ અનેક લોકો બન્યા છે. ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટર કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ કયા પગલાં ભરે એ જોવું રહ્યું.
મોનોપોલીનો લાભ લઇ મનસ્વી વર્તન કરે છે
વલસાડના આ ડોક્ટરના ક્લિનિકમાં જે ઉપકરણો છે, એ ઉપકરણો અન્ય કોઇ ડોક્ટર પાસે નથી. તેમની આ મોનોપોલીના કારણે તેમનું આવું વર્તન થતું હોય એવું લાગી રહ્યું છે. તેમના પરિવારમાં તેઓ બીજી પેઢીના ડોક્ટર છે, પરંતુ આ ડોક્ટરનો વ્યવહાર તોછડો છે. ત્યારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.