વલસાડ જિલ્લાની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવવંતી સિધ્ધિ: ધરમપુરના કેળવણી ગામની વિદ્યાર્થિનીનો ‘‘યુનિવર્સલ ક્લિનિંગ હેન્ડલ’’ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ
બાળકોમાં કૌશલ્ય શક્તિનો વિકાસ થાય અને તેઓને રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્લેટફોર્મ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ‘‘ઈન્સ્પાયર માનાક’’ પ્રદર્શની યોજવામાં આવે છે. જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી પોતાના હુન્નર અને કૌશલ્યના દર્શન કરાવે છે.

જેમાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે જ વિદ્યાર્થીઓની પસંદગી જાપાન જવા માટે થઈ છે, જેમાં એક વલસાડ અને બીજા ભરૂચના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના કેળવણી ગામની પટેલ ફળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રિયાંશીકુમારી કનુભાઈ થોરાટે રજૂ કરેલા ‘‘યુનિવર્સલ ક્લિનિંગ હેન્ડલ’’ પ્રોજેક્ટે દિલ્હી ખાતે યોજાયેલા ૧૧માં નેશનલ લેવલ એક્ઝિબિશન એન્ડ પ્રોજેક્ટ કોમ્પિટીશનમાં અદ્વિતીય સિધ્ધિ મેળવી વલસાડ અને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળતુ કર્યુ છે.

ધરમપુર તાલુકાના અંતરિયાળમાં આવેલા કેળવણી ગામની પટેલ ફળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની અને હાલમાં કપરાડા તાલુકાની આદર્શ નિવાસી શાળામાં ધો.૯ માં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી પ્રિયાંશી થોરાટે મેળવેલી આ અજોડ સિધ્ધિએ સમગ્ર વલસાડ જિલ્લાને ગૌરવ અપાવ્યુ છે. ત્યારે પોતાની આ સિધ્ધિ અને આ પ્રોજેકટનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે તેજસ્વી વિદ્યાર્થિની પ્રિયાંશીકુમારી જણાવે છે કે, હું નિયમિત ન્યૂઝ પેપર વાંચુ છુ. એક દિવસ હું પેપર વાંચતી હતી ત્યારે મે વાંચ્યુ કે, વિશ્વભરમાંથી દર વર્ષે ૩૫૦ મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે. જેનો નિકાલ કરવો હાલમાં પડકારજનક સમસ્યા છે. પ્લાસ્ટીક સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે અને પર્યાવરણમાં થતુ પ્રદૂષણ અટકાવી શકીએ તે માટે યુનિવર્સલ ક્લિનિંગ હેન્ડલ સાધન બનાવવાનો વિચાર આવ્યો હતો. એટલે કે સફાઈના તમામ સાધનો માટે માત્ર એક જ હેન્ડલનો ઉપયોગ કરી શકાય. આ વિચાર મારા વિજ્ઞાન શિક્ષક જતિનકુમાર એમ. પટેલને જણાવતા તેમણે મને યુનિવર્સલ ક્લિનિંગ હેન્ડલ સાધન બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યુ. દરેક ઘરમાં હાલમાં વપરાતા ફ્લોર વાઈપર, બ્રૂમ, બ્રશ અને ગ્રાસ બ્રૂમના હેન્ડલ પ્લાસ્ટીકના બનેલા હોય છે જે નાજુક હોય છે. જેના કારણે મોટાભાગે વળી જવાની અને તૂટી જવાની સમસ્યા સર્જાય છે. ઉપરાંત વિવિધ પ્રકારના સફાઈ સાધનોમાં વિવિધ પ્રકારના હેન્ડલ હોય છે. જો એક પ્રકારના ક્લિનિંગ ટૂલનું હેન્ડલ વળેલું કે તુટેલુ હોય તો અન્ય પ્રકારના ક્લિનિંગમાં ટૂલના હેન્ડલનો ઉપયોગ કરી શકાતો નથી. જેથી ક્લિનિંગ ટૂલ્સ માટે ખાસ ડિઝાઈન અને સ્ટેનલેસ સ્ટીલ પાઈપ સાથે માત્ર એક યુનિવર્સલ ક્લિનિંગ હેન્ડલ બનાવવામાં આવે તો વર્તમાન સમયમાં ઉભી થતી તમામ સમસ્યા હલ થઈ શકે છે.

સ્ટેનલેસ સ્ટીલ પાઈપનો ઉપયોગ યુનિવર્સલ ક્લિનિંગ હેન્ડલ બનાવવા માટે થતો હોવાથી કાટ, ક્રેકિંગ કે ટ્વિસ્ટીંગની કોઈ સમસ્યા રહેતી નથી. ઘણા વર્ષો સુધી સાર્વત્રિક સફાઈ માટે આ સાધનનો ઉપયોગ તમામ પ્રકારની સફાઈ માટે કરી શકાય છે. જેથી દર મહિને કે છ મહિને થતા પ્લાસ્ટીક વેસ્ટથી પર્યાવરણને બચાવી શકાય છે.

રાજ્યમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ૧૧ અને તેમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ માત્ર બે સિલેક્ટ થયાઃ માર્ગદર્શક શિક્ષક
કેળવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક જતીનકુમાર પટેલે જણાવ્યું કે, વિદ્યાર્થિની પ્રિયાંશીકુમારીએ મને પર્યાવરણને પ્રદૂષિત થતુ અટકાવવા માટે આ પ્રકારના સાધન બનાવવાની વાત કરતા તેને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેના આધારે આ પ્રોજેક્ટ તૈયાર કરી જિલ્લા કક્ષાએ રજૂ કરતા પસંદગી પામ્યો હતો. ત્યાંથી રાજ્ય કક્ષાએ જતા વિવિધ જિલ્લામાંથી કુલ ૧૧૪ પ્રોજેક્ટ આવ્યા હતા જેમાંથી ૧૧ પ્રોજેક્ટ પસંદ થયા હતા જે નેશનલ લેવલે ગયા હતા. દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે દેશભરમાંથી અનેક પ્રોજેક્ટ આવ્યા હતા જેમાં ઈન્ટરનેશનલ લેવલે જાપાન ખાતે આગામી દિવસોમાં યોજાનાર વિજ્ઞાન પ્રદર્શન માટે ગુજરાતમાંથી માત્ર બે પ્રોજેક્ટ પસંદ થયા હતા. વલસાડ જિલ્લામાંથી પ્રિયાંશીકુમારી આગામી દિવસોમાં જાપાન જશે જેથી સમગ્ર શાળા પરિવાર અને કેળવણી ગામ હર્ષ સાથે ગૌરવની લાગણી અનુભવે છે.

દીકરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્લેટફોર્મ પુરૂ પાડવા બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માનુ છુંઃ માતા

કેળવણી ગામમાં રહેતી વિદ્યાર્થિની પ્રિયાંશીના માતા મનિષાબેન થોરાટ જણાવે છે કે, નાનપણથી જ મારી દીકરી પ્રિયાંશી ભણવામાં ખૂબ જ હોંશિયાર છે. દરેક સ્પર્ધા અને પ્રદર્શનીમાં ઉત્સાહભેર ભાગ લે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેળવેલી સિધ્ધિ બદલ અમારો સમગ્ર પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. મારી દીકરીની સિધ્ધિમાં મદદરૂપ થનાર તમામ શાળા પરિવાર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્લેટફોર્મ પુરૂ પાડનાર રાજ્ય અને કેન્દ્ર સરકારનો પણ આભાર માનુ છું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!