વલસાડ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની તારીખ ૧૭ મી સપ્ટેમ્બર ના રોજ વર્ષગાંઠ નિમિત્તે “સેવા પખવાડિયા” અંતર્ગત વલસાડ જીલ્લામાં ૨જી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.
જીલ્લા ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા “પત્રકાર પરિષદ” યોજી વિગતવાર માહિતીઓ આપવામાં આવી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તારીખ ૧૭મી સપ્ટેમ્બર ના રોજ વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર ભારત દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનોખી રીતે ઉજવણી કરવાના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે વિગતવાર માહિતીઓ આપતા હેમંતભાઈએ જણાવ્યું હતું કે તારીખ ૧૭ મી સપ્ટેમ્બરના રોજ વલસાડ,પારડી,ધરમપુર અને ભીલાડ ખાતે વિવિધ સેવાકીય, સામાજિક સંસ્થાઓ સાથે મળી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વલસાડ જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વલસાડ તાલુકા ના રોલા ગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૨ મી વર્ષગાંઠ નિમિત્તે ૭૨ મહિલાઓ પાસે રક્તદાન કરાવવા માટેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે આવતીકાલના રોજ વલસાડ ખાતે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં વિવિધ સંસ્થાઓ સાથે મળીને બીચ ક્લિનિંગ અભિયાનનો પણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ ધરમપુરના વિલ્સન હીલ ખાતે પીએમ મોદીની રંગોળી બનવવામાં આવનાર છે. સાથે આઈ કેમ્પ, હોસ્પિટલોમાં ફ્રુટ વિતરણ કરવાનો કાર્યક્રમો કરવામાં આવનાર છે. વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના ઘોડિપાડા ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. તારીખ ૨૧ મી સપ્ટેમ્બર ના રોજ વલસાડ જીલ્લાના તમામ મંડળો ખાતે ભારતીય જનતા પાર્ટી જીલ્લા ડોક્ટર સેલ દ્વારા તેમજ જીલ્લા મહિલા મોરચા દ્વારા ૧૪ થી ૧૭ વર્ષની દીકરીઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ મંડળ દીઠ ઓછામાં ઓછી ૧૦૦ દીકરીઓની તપાસણી કરવામાં આવશે. આ સાથે જ તારીખ ૨૦ મી સપ્ટેમ્બર ના રોજ પ્રદેશ કિસાન મોરચાના દ્વારા દરેક જીલ્લાઓમાં “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડા લીલી ઝંડી બતાવી “ઇ બાઇક” ને પ્રસ્થાન કરાવશે. જેના ભાગરૂપે વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી પાંચ વિધાનસભા દીઠ દરેક વિધાનસભામાં એક ઇ- બાઇક નું પ્રસ્થાન જીલ્લા ભાજપ પ્રમુખ,સંસદસભ્ય,ધારાસભ્યઓ કરાવશે. આ ઇ બાઈકમાં એલઇડી સ્ક્રીન ઉપર કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા કિસાન લક્ષી તમામ યોજનાઓની વિસ્તૃત માહિતીઓ આપવામાં આવશે. ઈ બાઈક વલસાડ જીલ્લા ના ૪૬૮ ગામોમાં ફરનારી છે. જે માટે દરેક ગામમાં સંયોજકની પણ નિમણૂક કરવામાં આવી છે. તારીખ ૨૫ સપ્ટેમ્બર જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળની જન્મજયંતી નિમિત્તે દરેક મંડળ દીઠ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાશે. અને ધરમપુર,કપરાડા,ઉમરગામ તાલુકામાં “મેગા મેડિકલ કેમ્પ” નું આયોજન કરાશે. જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવશે. આ સાથે જ પ્રધાનમંત્રીના “મન કી બાત” કાર્યક્રમ ટીફીન બેઠક સાથે યોજાશે. તેમજ તારીખ ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ગ્રામોદ્યોગ ખાતે જઈ ખાદીની ખરીદી કરવા સાથે અન્ય કાર્યક્રમો યોજાશે. આ સાથે જ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તારીખ ૧૭ થી ૨જી ઓક્ટોબર દરમ્યાન “રન ફોર ડેવેલપમેન્ટ મેરેથોન” નું દરેક વિધાનસભા દીઠ આયોજન કરવામાં આવશે.
આ તબક્કે વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, જીલ્લા ભાજપ મીડિયા કન્વીનર દિવ્યેશ પાંડે, જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રવિણાબેન પટેલ, જીલ્લા મહિલા મોરચાના મહામંત્રી અલકાબેન દેસાઈ, ભાજપ કિસાન મોરચાના જીલ્લા પ્રમુખ હિતેશભાઈ પટેલ, જીલ્લા યુવા મોરચાના પ્રમુખ સ્નેહીલભાઈ દેસાઈ, જીલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ ભાષિન દેસાઈ, જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી પ્રભાકરભાઈ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.