વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ: સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ૨૮૦૦૦ બેંક ખાતા અનફ્રીઝ કરવામાં આવ્યા: મધ્યમ વર્ગના લોકોની પીડા ઘટાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા સરાહનીય પ્રયાસ

ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રીના હુકમ અન્વયે વલસાડ ડી.એસ.પી કચેરી ખાતે સાયબર ક્રાઇમ સંબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે તે સંદર્ભે વલસાડ જિલ્લા પોલીસ અઘિક્ષકશ્રીએ પ્રેસ કોન્ફરન્સ રાખી હતી. જેમાં વલસાડ જિલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમ તપાસ અને રાહતના પ્રયાસોમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ૨૮૦૦૦ બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા જે બાબતે જરૂરી સૂચનો તેમજ માહિતી આપવામાં આવી હતી.
ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડા ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા અજાણતામાં આ પ્રકારની યુક્તિઓમાં ફસાઇ ગયા હતા તેવા ભોગ બનેલા ૨૮૦૦૦ બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનનારના હોલ્ડ થયેલા નાણાં પૈકી સને ૨૦૨૪માં કુલ ૫૩.૨૪ કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. સાયબર ક્રાઇમ ફરીયાદના આધારે જેમને પણ એવું લાગતુ હોય કે તેમના એકાઉન્ટ ભુલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઇમમાં તેમની બિનસંડોવણી દર્શાવતા યોગ્ય પુરાવા સાથે આગળ આવે જે એકાઉન્ટ એક પછી એક કેસના આઘારે સમીક્ષા કરી ત્યારબાદ અનફ્રીઝ કરવામાં આવશે.
ગુજરાત પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલીસીમાં સુઘારો કર્યો છે. હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્ક્સ રકમને જ ફ્રીઝ કરાશે. વલસાડ સાયબર ક્રાઈમ દ્વારા ભોગ બનનાર અરજદારને આજદિન સુધી કુલ એક કરોડ ત્રીસ લાખ (૧,૩૦,૦૦,૦૦૦/-) રૂપિયા પરત અપાવ્યા છે. કોર્ટ મારફતે વધુ એક કરોડ વીસ લાખ (૧,૨૦,૦૦,૦૦૦) રૂપિયાના ઓર્ડર કરાવ્યો છે જે પરત અપાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનારે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ અથવા www.cybercrime.gov.in ઉપર સંપર્ક કરવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા સાયબર ક્રાઈમના પીઆઈ એમ.એન.બુબડિયા અને પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!