ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા. ૧૬ ડિસેમ્બરના રોજ બપોરે ૧ કલાકે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં નવા બની રહેલા બ્રિજ તેમજ માર્ગો પર ટ્રાફિક મેનેજમેન્ટ, બ્લેક સ્પોટ પર થતા અકસ્માતોને અટકાવવા તેમજ શાળા કોલેજ ખાતે ટ્રાફિક નિયમોનું ખાસ પાલન થાય તે માટે કલેકટરશ્રીએ સૂચનો કર્યા હતા.
વલસાડ જિલ્લામાં આવેલી સ્કૂલો પાસે ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા માટે વિદ્યાર્થીઓને લેવા અને મુકવાની કામગીરી સ્કૂલ પ્રિમાઈસીસમાં જ થાય જેથી જાહેર માર્ગ પર ટ્રાફિક જામ ન થાય તેવુ સૂચન કલેકટરશ્રીએ કર્યુ હતું. આ સિવાય શાળા- કોલેજના વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમ અંગે જાગૃત બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા માર્ગ સલામતી અંગે કરેલા જાગૃતિ અને કેળવણીના કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળા – કોલેજોમાં કુલ ૨૬૩ સ્કૂલોમાં જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. જે મામલે કલેકટરશ્રીએ હવે તમામ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થાય છે કે નહીં તે ચકાસવા માટે ઓચિંતી ડ્રાઈવ રાખવા આરટીઓ અધિકારી નિકુંજ ગજેરાને સૂચના આપી હતી.
કલકેટરશ્રીએ વલસાડ જિલ્લાના પાંચેય પાલિકા વલસાડ, ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામના ચીફ ઓફિસરોને સ્થાનિક શાકભાજી માર્કેટમાં લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે પેવર બ્લોકથી માંડીને રસ્તામાં પાણીનું લીકેજ સહિતની નાની નાની સમસ્યા તેમજ દુકાનોની આગળ લારી ગલ્લાનું દબાણ અને પાર્કિગની સમસ્યા ઉકેલવા માટે તાકીદ કરી હતી. વલસાડ અબ્રામા રોડ પર બનાવાયેલા સાયકલ ટ્રેક પર સ્થાનિક લોકો દ્વારા થયેલુ દબાણ દૂર કરી જાહેર જનતા માટે રસ્તો ખુલ્લો કરવા પણ કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
વલસાડ આરટીઓ અધિકારી નિકુંજ ગજેરાએ વલ્લભ આશ્રમ અને વિસામા હોટલ પાસે સર્વિસ રોડ પર ટ્રાફિક જામની સમસ્યા અંગે રજૂઆત કરતા કલેકટરશ્રી દ્વારા જરૂરી સૂચન કરાયું હતું. આ સિવાય અતુલ ફર્સ્ટ ગેટ, સુગર ફેકટરી બ્રિજ, વાઘલધરા, ડુંગરી અને ભીલાડ અંડરપાસ હનુમાનજી મંદિર પાસેના બ્લેક સ્પોટ ખાતે બંધ લાઈટ ચાલુ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિને સૂચન કરાયુ હતું. કપરાડાના કુંભઘાટ પાસે વધતા અકસ્માતોને અટકાવવા માટે સ્થળ વિઝીટ કરી જરૂરી કાર્ય વહી કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, કપરાડા અને ઉમરગામ તાલુકામાં અનેક લોકોને લાઈસન્સ માટે ઓનલાઈન અરજી કરતા નથી આવડતુ તે લોકો માટે કેમ્પ કરવામાં આવે તો સરળતા પડી શકે તેમ છે તેવુ સૂચન કર્યુ હતું. વધુમાં તેમણે પોલીસ દ્વારા જિલ્લામાં ટ્રાફિક નિયમનના પાલન અને જાગૃતિ માટે હોડિંગ્સ લગાવવામાં આવશે એવુ જણાવ્યું હતું.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર અનસૂયા ઝા, વાપીના ડીવાયએસપી બી.એન.દવે, જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામિત, નાયબ કલેકટર ગૌરવ વસાની, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ અને ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.